ચૌદમા વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી શ્રવણના અધિકારની વાત સમજાવી રહ્યા છે. તેમજ ચાર યુથનો પ્રસંગ કહી રહ્યા છે. તેમાં શ્રી રાધાજી પ્રસિદ્ધ અને બીજા ત્રણ યુથ ગુપ્ત છે. તેનો વિસ્તાર શુકદેવજીએ ન કર્યો તેનું કારણ સમજાવ્યું કારણ કે તે નિજધામના અલૌકિક દિવ્ય યુથના અધિકારી જીવ સિવાય તેનું વર્ણન થઈ શકે નહિ. કારણકે તેવી દિવ્ય લીલાને સાંભળવાના અધિકારી વિના કોની આગળ વર્ણન કરે. જેનો અધિકાર સાંભળવાનો પણ નથી તેવા જીવની આગળ કદાચ શુકદેવજી વર્ણન કરે તો તે સમજી પણ શું શકે.
પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજીની દિવ્ય લીલાનો અનુભવ કરવો એ મુખ્ય અધિકાર માનવામાં આવ્યો છે. જયાં સુધી જીવ ઉચ્ચ અધિકારને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેને કોઈ ભાવની પ્રાપ્તિ થતી નથી. પુષ્ટિમાર્ગમાં અધિકારને મુખ્ય માનવામાં આવ્યો છે. તેથી તેવા અધિકારી જીવ ન હોવાથી શુકદેવજીએ વર્ણન ન કર્યું અને તે લીલાના ભાવને વર્ણન કરવાની પોતાની ઈચ્છા હોવાથી તેમણે જયદેવજીનો બીજો અવતાર ધારણ કરીને પ્રભુની દિવ્ય લીલાને અષ્ટપદી કરીને ગાય.ભગવદ લીલા જેવી હતી તેવી શ્રી ઠાકોરજીએ તેમના હૃદયમાં બિરાજી એ લીલા દેખાઈ તેવું વર્ણન પોતે કર્યું.
શ્રી ઠાકોરજીનું જેવું લીલાત્મક સ્વરૂપ છે તેટલા લીલાના રસ ભેદ શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગમાં પ્રગટ કર્યા અને તે પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી તે સુરદાસ જેવા સખા ભગવદીએ ગાય છે. તે જેવો અનુભવ પોતે કરાવે છે તેવો ગાય છે તેમાં પોતે કર્તાપણું માનતા નથી. જે બને છે તેને ભગવદ ઈચ્છા જ માને છે. જેને શુભ કર્મનો હર્ષ નથી તેમ અશુભ કર્મને શોક જેમણે માન્યો નથી. માત્ર સર્વ કાંઈ ભગવદ ઈચ્છાને જ પ્રધાન પણે માને છે. તે પુષ્ટિ ભગવદીઓનું પુષ્ટિમાર્ગમાં ખાસ સિદ્ધાંતિક લક્ષણ છે. અને જેના અંતઃકરણમાં એવું દ્રઢ થયું છે કે જે મારા પુરૂષોત્તમ સત્ય છે. એવી જેના મનમાં એક ટેક છે તેવા જીવ પણ અંતરીક વલ્લભ યુથના છે. તેથી તેનું હૃદય નિર્મળ છે એવું સાંભળીને સર્વના મનનો સંદેહ દુર થયો.
ઉપરોકત વચનામૃતમાં શ્રવણનો અધિકાર તેમ જ ભગવદ લીલાનો અનુભવ જેવો જેને થયો તેવું કરવામાં આવ્યું છે. તેમજ ભગવદીઓનું મુખ્ય લક્ષણ ભગવદ ઈચ્છામાં સર્વ માનવામાં આવે છે અને જેને પોતાના પ્રભુ સિવાય બીજી કોઈ ટેક નથી. તેવા જીવ અલૌકિક દિવ્ય યુથના છે તેમ બતાવવામાં આવ્યું છે.
જય ગોપાલ 🙏🏻