દસમા વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી વ્રજભૂમિ ના વૃક્ષ લતા વગેરેનું સ્વરૂપ અને મહાત્મ્ય સમજાવી રહ્યા છે. તેમા ભગવદીયોનો દ્રોહ ક્યારેય ન કરવો. દ્રોહ કરવાથી મહાન હાની થાય છે. તેવું સ્પષ્ટ સમજાવી રહ્યા છે. વૃજ ભુમિની અલૌકિકતા કેટલી છે તે આ વચનામૃતથી સિદ્ધ થાય છે. વૃજ ભુમિની અંદર પ્રભુની લીલામાં જડ ચેતનવંત બની જાય છે, અને ચેતન જડવતં બની જાય છે. એવું મહાન રમણ સ્થળ બીજા એકેય નથી. વ્રજ ગોલોક સમાન છે. તેથી શ્રી ઠાકોરજી એ પોતાની અલૌકિક દિવ્ય લીલા ત્યાં પ્રગટ કરી છે.
એક સમય શ્રી ગોપાલલાલજી ગોકુલમાં શ્રી ઠકરાણી ઘાટે યમુનાજીમાં સ્નાન કરવા પધારે છે. ત્યારે નિજ અંગીકૃત ભગવદીઓ નું જુથ તથા વૈષ્ણવનું જુથ જલક્રીડા ના દર્શન કરવા સાથે પધારે છે. શ્રી ગોપાલલાલજી એ શ્રી યમુનાજીનો શ્રીંગાર તથા સામગ્રી સાથે લીધી છે. ત્યારે રસ્તે ચાલતા વૃજના વૃક્ષ લતા વિગેરેને જોઈને શ્રીજી પોતે તેના સ્વરૂપનું મહાત્મ્ય શ્રી મુખથી સમજાવી રહ્યા છે કે, આ વૃક્ષનું સ્વરૂપ અને તેમનું જીવન કેવું છે ? આ વૃક્ષો તો મહાન ભગવદીય છે જેણે પરમાર્થ માટે દેહને ધારણ કરેલો છે, કોઈપણ યાચકની યાચના અનાદર કરતા નથી. એવો કર્મમય દેહ જેમનો છે, અને ભગવદ ચરણાવિંદની રજના સ્પર્શની ઈચ્છાથી પોતાની સ્વ ઈચ્છાએ વૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે.
વૃક્ષ નો દાખલો આપીને ભગવદી ના લક્ષણો સમજાવે છે. વૃક્ષનો સ્વભાવ હંમેશા ઉદાર હોય છે. તેના આશ્રયે આવનાર ની તે પૂર્ણ ઈચ્છા કરે છે. શીતળતા આપે છે. તેના ઉપર કોઈ પત્થર ફેંકે તો તેને ફલ આપે છે. તેને કોઈ કાપે તો તેની ઉપર ક્રોધ કરતું નથી. સિંચે છે. તેને સ્નેહ કરતું નથી. પોતાના ડાળી, પાંદડા, છાલ, મુળ, ફળ, ફુલ વગેરેને પરોપકાર અર્થે આપે છે. પોતાના મસ્તક ઉપર અસહ્ય તાપને સહન કરીને બીજાને શીતળતા આપે છે. સુરદાસ એક પદમાં વૃક્ષ વિશે ગાય છે.
રાગ બિહાગ :-
મન રે ! તું વૃક્ષનકો મત લે.
કાટે તપાસ ક્રોધ ન કર હી, સિંચ નાહિ સ્નેહ.
જો કોઉ તાપે પત્થર ચલાવે, તાહિકો ફલ દે.
અપુને શિરપર ધુપ સહત હે, ઓરન છાયા દે.
ધન્ય ધન્ય જડ પરમ પદાર્થ, વૃથા મનુષ્યકી દેહ.
સુરદાસ મન-કર્મ-વચન કરી, ભકતનકો મત એહ.
ઉપરોક્ત પદમાં આગળ ભાવર્થ લખ્યો તે મુજબ સુરદાસજી વર્ણન કરતાં છેવટમાં કહે છે. ધન્ય છે એ જડ દેખાતા વૃક્ષને ! પણ મનુષ્યની દેહ તો સાવ નકામી છે. સુરદાસ કહે છે મન-વચન અને કર્મથી ભકતનો સ્વભાવ એવો જ પરોપકારી હોવો જોઈએ. આમ વૃક્ષના મતથી ભગવદીઓના લક્ષણો સમજાવ્યા છે. ભગવદીઓની એક જ ઈચ્છા માત્ર હોવી જોઈએ. જે ભગવદ ચરણારવિંદની પ્રાપ્તિ માટે વૃજના જે વૃક્ષો છે તે મહાન છે. જે પૂર્વના જીવોના મનમનોરથ અધુરા રહ્યા તે ભગવદલીલાના દર્શનની ઈચ્છાથી વૃક્ષોનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે.
ત્યારે તે સમયે એક વૈષ્ણવે વૃક્ષ ઉપરથી ફલ તોડયું. ત્યારે તે શ્રી ગોપાલલાલજી એ જોયું અને તેની ઉપર બહુ જ ખીજયા અને કહ્યું અરે ! તેં આ શું કર્યુ. તને તો બહુ જ અપરાધ લાગ્યો. કેમ કે શું એ વૃક્ષ છે? એ તો સાક્ષાત ભગવદીય છે. તેને શા માટે તોડયુ ? ત્યારે તે વૈષ્ણવ પોતાના મનમાં બહુ જ દુઃખ પામ્યો અને કહેવા લાગ્યો અરે મહારાજ ! મેં તો મહાન અપરાધ કર્યો. તે હવે કેમ નિવૃત થાય! ત્યારે શ્રીજી એ કહ્યું જે વૈષ્ણવ ભગવદીયના અપરાધ જેવો બીજો કોઈ મોટો દોષ નથી.
તેની ઉપર આપશ્રી ભાગવત શ્લોક કહને સમજાવવા લાગ્યા કે, ભગવદીનો અપરાધ કરનારના આયુષનો, લક્ષ્મીનો યશનો, ધર્મનો, પુણ્ય લોકનો, સુખનો તેમજ સર્વ કલ્યાણનો નાશ થાય છે. માટે ભગવદીનો અપરાધ કયારેય ન કરવો. માટે તે અપરાધમાંથી છૂટવા માટે તું એમ કર તે ફલને શ્રી નાથજીના મંદિરમાં ઘરી આવ જેથી તે અપરાધમાંથી છૂટવા તું મુક્ત થશે. કારણ કે તે ફલનો શ્રીજી અંગીકાર કરશે એટલે તારો દોષ નિવૃત થશે. તે સાંભળીને તે વૈષ્ણવે તેમ કર્યું અને પોતાના મનમાં પ્રસન્ન થયો. જે શ્રીજી એ મારા કર્મનું પ્રાયશ્ચિત મટાડયું. એવા મારા પ્રભુ ભકતના કર્મને નિવૃત કરવા માટે ભુતલ ઉપર પ્રગટયા છે. તેમ આ વાતના સિદ્ધાંત માં સમજાય છે. પ્રભુની આજ્ઞાનું પાલન કરવાથી ભકતના સર્વ પ્રકારના કર્મના બંધન નાશ પામે છે.
અગીયારમાં વચનામૃતમાં સર્વ સાધનનો નિષેધ કરીને પુષ્ટિમાર્ગમાં સર્વોપરી સાધન એક ભગવદ સેવા જ છે. એમ બતાવવામાં આવ્યું છે. સર્વ ઘર્મોમાં ભગવદ સેવા રૂપી ધર્મ મોટો છે. જેમ હાથીના પગલામાં સર્વ પગલાઓનો સમાવેશ થઈ જાય. તેમ ભગવદ સેવારૂપી ધર્મના આચરણથી સર્વ સાધનોનો તેમાં સમાવેશ થઈ જાય છે. જેવા કે, વૃત, જપ, તપ, તિર્થ, દાન, યજ્ઞ, યોગ તે બધાનો સમાવેશ ભગવદ સેવામાં થઈ જાય છે. ભગવદ સેવા કરનારને પછી કોઈ સાધન કરવાની જરૂર રહેતી નથી. પુષ્ટિમાર્ગમાં અનન્યતા ટેક તે તો વૃત છે. ચરણામૃતનું નીમ તે સકલ તિર્થનું ફલ છે. અને ભગવદ સમર્પણ તે દાન છે એમ શ્રી ગોપાલલાલજી એ આગળ પોતાના ચાલીશમાં વચનામૃતમાં સમજાવ્યું છે.
પુષ્ટિમાર્ગમાં ભગવદ સેવા જ મુખ્ય કર્મ છે. વેદોકત કર્મ કરવાથી મનની શાંતિ થતી નથી. તેવા કર્મ કરવાથી અહંપણું આવે છે અને તેથી મોહ માયાદિ બાધ કરે છે અને દ્રઢ ભાવનાથી સેવા કરવાથી દાસત્વ ભાવ આવે છે.
વેણુંનાદ સાંભળીને ગોપીઓ અર્ધ રાત્રીએ વનમાં ભગવાન પાસે ગઈ. ત્યારે ભગવાને તેમની પરિક્ષા કરવા માટે કહ્યું કે સ્ત્રીઓનો ધર્મ તો પોતાના પુરૂષની સેવા કરવી તે જ છે. તેવો ધર્મોપદેશ સાંભળીને ગોપીઓએ અનન્ય પ્રેમલક્ષણા ભક્તિના સિદ્ધાંત અનુસાર જવાબ આપ્યો કે આપને છોડીને લૌકિક પતિ પુત્રાદિકમાં આસકિત રાખે તો શું તેનો તે ધર્મ સાચો છું ? ત્યારે ભગવાન ચુપ રહ્યા. જેને એક શ્રી પુરૂપોત્તમના સ્વરૂપ વિષે ભર ઉપજયો છે તે બીજાની દરકાર રાખતા નથી. માટે ભગવદ સેવા એ જ સર્વોપરિ ધર્મ છે.
જેમ કે મુંડન કરીને લીધેલો સન્યાસ, વૃક્ષની છાલના વસ્ત્ર પહેરવા, નગ્ન રહેવું, જટા વધારવી, મૌન ગ્રહણ કરવું, અનેક પ્રકારના જપ કરવા, ઘ ણા પ્રકારની વિદ્યા ભણવી, શાસ્ત્રાર્થ કરવામાં કુશળતા, દેશાટન કરવું પણ જો પ્રભુ હૃદયમાં બિરાજતા નથી. તો આ સર્વ સાધનો કશા કામના નથી. અને જો પ્રભુ હૃદયમાં બિરાજે છે તેવો ભાવ આવ્યો તો આવા સાધનો કરવાની કશી જરૂર રહેતી નથી. સર્વે વેદશાસ્ત્રોનો સાર એ છે કે ભગવદ સેવા, સ્મરણ અને પ્રભુનું ધ્યાન હૃદયમાં કરવું, એ વિના સર્વ સાધનો નકામા છે. ભગવદ સ્વરૂપમાં જેને પ્રિતી છે. તેને સાધનો કશા કામના નથી.
એક સમય શ્રી ગોપાલલાલજી યમુનાજીના કિનારે શ્રી મહાપ્રભુજીની બેઠક છે ત્યાં આપશ્રી બિરાજે છે, અને પાંચ-દશ વૈષ્ણવો પાસે બેઠા છે. તે સમયે વિદ્વન્મંડન નામનો ગ્રંથ શ્રી વિઠ્ઠલનાથજી એ લખ્યો છે તે ગ્રંથ ઉપરની ચર્ચા થાય છે. તેમાં શ્રી ગીરધરજી પ્રશ્ન કરે છે, અને શ્રી ગુંસાઈજી તેનો જવાબ આપે છે. અને વિઠ્ઠલનાથજી પોતાના મોટા લાલ શ્રી ગીરઘરજી તેમને માર્ગનો સિદ્ધાંત સમજાવી રહ્યા છે. તે ગ્રંથ ઉપરની ચર્ચા શ્રી ગોપાલલાલજી સર્વો વૈષ્ણવોને સમજાવી રહયા છે.
તે સમયે કોઈ બ્રાહ્મણ ત્યાંથી નિકળ્યો અને તેણે આ ચર્ચા સાંભળીને શ્રીજી ને પ્રશ્ન પુછયો જે મહારાજ! તમારા સેવક છે. તેમાં કોઈ બ્રાહ્મણ, ક્ષત્રીય, વેશ્ય, શુદ્ર છે. તેમાં બ્રાહ્મણોને ખટકર્મ અને સૂર્યને અર્ઘ આપવા, મંત્ર જાપ કરવા ત્રિકાલ સંધ્યા કરવી, અને દેવીની ઉપાસના તેમાં તેનો શુદ્ધ ભાવ નથી. તેઓ તે કરતાં નથી તેમાં તેની આશક્તિ પણ નથી. તો તે શું? અને બીજા ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર તે કોઈ વ્રત, તપ એવા સાધન કરતા નથી.
ત્યારે શ્રીજી એ હસીને કહ્યું: તું કોણ છો ? ત્યારે તેણે કહ્યું "જે હું બ્રાહ્મણ છું." ત્યારે શ્રીજીએ કહ્યું "કાંઈ ભણ્યો છો?” ત્યારે તેણે કહ્યું "હું પુરાણની વિદ્યા ભણ્યો છું" ત્યારે શ્રીજી એ કહ્યું જે જેવો વર્ણ હોય તેને તેવું કર્મ કરવાનું કહ્યું છે.
પણ અમારા પુષ્ટિમાર્ગમાં કર્મ મુખ્ય નથી. અને મુખ્ય તો ભાવાત્મક સેવા જ છે. કારણકે વેદોકત કર્મ છે. તેનાથી મનની એકાગ્રતા થતી નથી. તેમાં કર્મ કરનારને મોહ થાય છે અહંપણું આવી જાય છે. તેથી મોહ માયાદી બાધ કરે છે જયારે દ્રઢ ભાવથી ભગવદ સેવા કરવામાં દાસત્વભાવની સિદ્ધિ થાય છે. જેથી ભગવદ સેવામાં ભય નથી. કર્મ કરવાથી કદાચ લૌકિક સુખ મળે પણ ભગવદ સેવાથી તો અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે. પ્રભુ ભકતને સુખનું દાન કરતાં નથી પણ આનંદનું દાન કરે છે. કર્મ કરતા ભગવદ સેવાનો એવો અપાર મહિમા છે.
ગોપીજનોને પણ ભગવાને કહ્યું કે, તમો તમારા પતિની સેવા કરો ત્યારે ગોપીજનો એ કહ્યું કે, તમારી સેવા છોડીને જે લૌકિક પતિને સાચો માને તો તો તે તેનો ધર્મ થોડો એવો છે, અથવા સાચો છે, એમ શ્રી ગોપાલલાલજી કહે છે કે, જેમ ભગવાને ગોપીકાઓને પતિની સેવા કરવા વ્યંગમાં કહ્યું પણ ગોપીજનો તો સમજતા હતા કે, ભગવાન પરીક્ષા કરી રહયા છે પણ ગોપીજનોને લૌકિક પતિ પુત્રાદિકના લૌકિક ધર્મ કરતાં ભગવદ ધર્મ અલૌકિક છે. અને એક શ્રી ઠાકોરજીની સેવાથી સર્વે ધર્મની સિદ્ધિ થઈ જાય છે. એવો તેને વિશ્વાસ છે તે પછી બીજા અન્ય કર્મ કે દેવ દેવતાની ઉપાસનામાં શા માટે મન ઘાલે અને શ્રી ગોપાલલાલજી એ વધુમાં પોતાના સેવકનો દ્રઢ પક્ષપાત કર્યો કે, એના માટે અમો કરીએ છીએ, પ્રભુ શરણાગત જીવનો કેટલો પક્ષપાત કરે છે, તે સાબિત થાય છે. આવો પક્ષપાત પુષ્ટિમાર્ગ સિવાય બીજા કોઈ માર્ગમાં નથી. માટે ભગવદ સેવારૂપી પરમ ફલ આગળ સર્વ કર્મ, તપ, યોગ, સર્વ વૃત ઉપવાસ આદિ તૂચ્છ છે.
સામાન્ય રીતે ભગવદ સેવામાં જ સર્વ ધર્મનો સમાવેશ થઈ જાય છે. લૌકિક પતિની સેવા કરનારી સૂર્યને થંભાવી દેવાની શકિત ધરાવે છે. તો આ તો જગપતિ પ્રાણપતિ પ્રાણવલ્લભ અશરણ શરણ બિરદ ધારણ એવા સર્વ સમર્થ પ્રભુની સેવામાં દ્રઢ આશકિત રાખનાર જીવ શું પ્રાપ્ત ન કરી શકે. તેને સર્વ સિધ્ધી આપ મેળે જ પ્રાપ્ત થઈ જાય છે. સર્વ દેવો પણ તેવા જીવને નમન વંદન કરે છે. પુષ્ટિમાર્ગીય સેવા તે પરમ તત્વ રૂપ છે. પણ આજ એ સેવાથી જીવો વિમુખ બનતા જાય છે, તે શોચનીય છે. ભગવદ સેવા જેના ઘરમાં બિરાજ છે તે ઘર ખરેખર ગોલોક સમાન છે, તેમાં જરાય ફેર નથી. ઉપરોકત વચનામૃતમાં એ સાર સમજાય છે કે શ્રી ગોપાલલાલની સૃષ્ટિના સેવકો કોઈપણ જાતીનો હોય તો તેણે તે સર્વ કર્મ છોડીને પુષ્ટિસ્થ પ્રભુશ્રી ની સેવા કરવી. તે વાત નિશ્વય પુર્વક સમજાય છે.
જય ગોપાલ 🙏🏻