Skip to Content

પ્રભુ શ્રી ગોપાલલાલજી નું નવમું વચનામૃત

24 October 2025 by
Bansi Joshi
| No comments yet
નવમા વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી એ માલાનું સ્વરૂપ  અને તુલસી કરતા વ્રજનું કાષ્ટ અધીક છે તે બતાવ્યું. પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ વેદાંતની ચર્ચા કરીને સમજાવ્યું. ભગવદીઓના લક્ષણ અને અનન્યાતા વિષે, નિષ્કામ કર્મ વિષે, વૃજના આશ્રય વિષે, અને ભક્તિના સર્વાંગ અંગ વિષે સમજાવીને તેના કર્તા મુખ્ય નામોનું વર્ણન કર્યું છે.


શ્રી ગોપાલલાલજી ની પાસે કાનદાસ કાયસ્થ વૃજકાષ્ટની માલા લઈને પ્રસાદી કરાવવા માટે આવ્યા. ત્યારે શ્રી ગોકુલનાથજીના બીજા લાલ વીઠ્ઠલરાયજી જેને રાયજી તરીકે ઓળખવામાં આવે છે. તે પાસે બેઠા હતા. તેમણે કાનદાસના હાથમાં વૃજ કાષ્ટની માલા જોઈને પ્રશ્ન કર્યો કે વૈષ્ણવે માલા તો તુલસીની પહેરવી જોઈએ. તે સાંભળીને શ્રી ગોપાલલાલજી બોલ્યા કે રાયજી એવો કયો સિદ્ધાંત છે કે વૃજકાષ્ટથી તુલસી અધિક છે. તમારે એવું ના કહેવું  જોઈએ. જે તુલસી તો ભગવદ ચરણ પ્રિય છે અને તેનો અંગીકાર રાજલીલા (મર્યાદામાં) અને બાલ લીલામાં છે અને તે પણ શેનાથી તેનું પુર્વ વૃતાંત તો જુવો તે તો જાલંધર નામના અસુરની પત્ની છે. દેવતાઓ સાથે યુદ્ધ થતાં જાલંધરને હરાવવા અને વૃંદાના પતિવૃતનું ખંડન કરવા ભગવાન વિષ્ણુએ જાલંધરનું સ્વરૂપ ધારણ કરીને વૃંદાનું પતિવૃતપણું ખંડન કરીને જાલંધરને માર્યો અને દેવતાનું કાર્ય સિધ્ધ કર્યું.


ત્યારે વૃંદાને ભગવાને પોતાનું સ્વરૂપ દેખાડયું. ત્યારે વૃંદાને ખબર પડી કે આ તો ભગવાને જાલંધરનું સ્વરૂપ ધરાણ કર્યું હતુ. પછી વૃંદા ભગવાનને કહેવા લાગી કે તમે હવે મારો ત્યાગ કરશો કે મારશો ત્યારે ભગવાને તેને વરદાન આપ્યુ કે હું તને ચાહીશ. તુ મથુરા મંડલમાં જઈ ને તપ કર. ત્યારે મથુરા મંડલમાં જઈ ને વૃંદા એ ઉગ્ર તપ કર્યુ. ત્યારે ભગવાને તેનું દ્રઢ વૃત અને ભકિત જોઈને બહુજ પ્રસન્ન થયા. અને વૃંદાને કહ્યું કે તને ત્રણ લોક વંદન કરશે, માનશે, તારી કાનીથી સર્વ (મર્યાદા) યજ્ઞ અને વૃતના ફલને હું ગ્રહણ કરીશ. ત્યારે વૃંદા બહુ જ પ્રસન્ન થઈ. તેથી તે વનનું નામ વૃંદાવન પડયું. પણ મુખ્ય તો વૃજનો આશ્રય કર્યો તેથી સર્વ ફલ પ્રાપ્ત થયું. તે તો પ્રથમ કલ્પની વાત છે. એમ કહીને શ્રી ગોપાલલાલજી એ કહ્યું કે એમાં શું સિદ્ધાંત બતાવ્યો. જો ભગવદ આશ્રયથી મહાન પદની પ્રાપ્તી થઈ.


જીવને જે ત્રણ પ્રકારના ત્રિવીધ તાપ અને જન્મ મૃત્યુ રૂપી જે વ્યાધી સંસારનું આવાગમન છે તે તો એક દ્રઢ વૃત અનન્ય ભગવદ ભક્તિ થી નાશ પામે છે. અગત્સ્ય ની ઉત્પત્તિ (રાફડામાંથી થઈ છે) કેવા પ્રકારની અને તેણે જે સામથ્ર્ય પ્રાપ્ત કર્યું તે તો એક દ્રઢ વૃત અને અનન્ય આશ્રયથી તે ફલ પ્રાપ્ત કર્યું (જે એક અંજલી માત્રમા સમુદ્રનું પાન કરી ગયા).


માટે આપણા સ્વમાર્ગ એટલે પુષ્ટિમાર્ગમાં એક દ્રઢતાથી પુરૂષોતમની પ્રાપ્તિ થાય છે. માટે રાયજી ! વૃજનું કાષ્ટ તુલસી કરતા અધીક છે શ્રેષ્ઠ છે. વૃજમાં તો વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રમાં ચતુર્ભુજ સ્વરૂપે શ્રી ઠાકોરજી બીરાજે છે. વૃજને તો ગોલોકની ઉપમાં આપી છે. જે વૃજ રજની ઈચ્છા શ્રુતિ વેદ પણ કરે છે. અને બ્રહ્માદિ દેવાતાઓ તો એવી ઈચ્છા પણ કરી રહ્યા છે કે અમો વૃજમાં વેલા,પાંદડા,લતા થાય હોત તો સારૂ હતું. જ્યાં શ્રી ઠાકોરજી સગુણ દેહ ધારણ કરીને અનેક પ્રકાની લીલા કરી રહ્યા છે. તેથી તેના ચરણની રજનો સ્પર્શ અમોને થાત. એવું સાંભળીને રાયજી બહુ જ પ્રસન્ન થયા અને કાનદાસના મનનો સર્વ સંદેહ દુર થયો અને મનમાં એમ સમજાયું કે વૃજના આશ્રયથી પ્રેમલક્ષણા ભકિત પ્રાપ્ત થાય છે.


ફરી કાનદાસે વિનંતી કરીને પ્રશ્ન કર્યો જે મહારાજ ! પ્રેમલક્ષણા ભક્તિમાં અને વેદાંતના સિદ્ધાંત માં શું ભેદ છે? ત્યારે શ્રી ગોપાલલાલજી હસીને કહેવા લાગ્યા કે વૈદાંતનો સિદ્ધાંત સમજવો કઠણ છે અને પ્રેમલક્ષણા ભકિતનો સિદ્ધાંત સમજવો વધારે કઠણ છે. તેની ઉપર વ્યાસ સુત્રનું પ્રમાણ આપીને ભક્તિના અંગનું વર્ણન કર્યું. શ્રવણ, કિર્તન, ધ્યાન, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્યભાવ, સખા, આત્મનિવેદન એમ નવ અંગનું વર્ણન કર્યું અને તેના એક એકના નવ નવ વિભાગ બીજા શાસ્ત્રોના મતમાં લખ્યા છે. તે કુલ એકાશી વિભાગ લખ્યા છે. અને કોઈ ભકિત થી શુભ કર્મ કરીને મનમાં સંકલ્પ કરે છે હું મોક્ષને માટે જ આ કર્મ કરું છું તેવો નિષ્કામ ભાવ રાખે પણ ભુલથી એ સકામ ભાવનાથી કર્મ કરે તો નરકનો અધિકારી થાય છે. તેની ઉપર ગીતાનો શ્લોક કહી સંભળાવ્યો.


જયાં સુધી પુણ્ય છે ત્યાં સુધી સ્વર્ગલોકની પ્રાપ્તિ પછી પુણ્ય ભોગવાય ગયા પછી તો મૃત્યુલોકમાં આવવું પડે છે. પણ કેવલ ભગવદ પ્રાપ્તિ કરાવવાવાળી તો પ્રેમલક્ષણા બ્યાસીમાં ભક્તિ છે. તે ભકિતથી જ અક્ષરાતીત પુરૂષોત્તમની પ્રાપ્તિ થાય છે. એમ શ્રી મુખથી ભાર દઈને શ્રી ગોપાલલાલજી એ કહ્યું, તે પ્રેમલક્ષણા ભક્તિનું લક્ષણ કેવું છે? તેમ કાનદાસે પ્રશ્ન કર્યો ત્યારે શ્રી ગોપાલલાલજી એ હાસ્ય કરીને કહયું જે દૈવી જીવ પુર્વેના છે અને તે તો શ્રી પુરૂષોત્તમના શ્રી અંગમાંથી પ્રથમ કટાક્ષથી પ્રગટ થયા છે અને તે ભક્તિમાં લીન થયા છે અને માયાના બીજા કટાક્ષથી અનંત જીવોની ઉત્પત્તિ થઈ છે તે જીવ તો આસુરી કર્મ કરવાવાળા અન્ય ઉપાસી જેને શુદ્ધ ભજન કે શુદ્ધ કર્મની કંઈ ખબર જ નથી.


હવે પ્રથમ દૈવી જીવના લક્ષણ ગ્રંથનું પ્રમાણ આપતા કહે છે જે દૈવી જીવ છે તે શ્રી ઠાકોરજીનો આશ્રય છોડતો નથી અને બીજાનો આશ્રય ક્યારેય પણ કરતો નથી. પોતાની સર્વ વસ્તુ શ્રી ઠાકોરજીને અર્પણ કરેલી હોય છે. તેમજ પોતાના અંતઃકરણમાંથી સંસારના વિષયોનો ત્યાગ કરીને સંસારમાં રહે છે. ભગવદીયોમાં કોઈ દોષ હોતા નથી. તે તો નિદોર્ષ હોય છે. કોઈને હાની કરવી, ખોટું બોલવું, દંભ રાખવો, ઈર્ષ્યા કરવી, હીંસા, માન, દેહાભિમાન વિગેરે દોષો ભગવદીયોમાં હોતા નથી. એવા લક્ષણથી જે વર્તે તે દૈવી જીવ છે એમ જાણવું. જેના અંગે અંગમાં પ્રેમ જ ભરેલો હોય છે. હું પણાનો ત્યાગ કરેલો હોય છે તેના હૃદયમાં મોહના વીકારો, રજોગુણ, તમોગુણ, કામ, ક્રોધ, લોભ, છલ, દ્રોહ એવા એનક દોષો જે છે તે તેને કદી ઉપજતા નથી.


જેના અંગ અંગમાં ભગવદ આવેશ હોય છે જેને જીવ, ઈશ્વર, માયા ઈત્યાદીકનું સાચુ જ્ઞાન હોય છે. જે ત્રણ ગુણ રજો, તમો અને સત્વ તેનાથી બનેલા આ પંચભુત સ્થૂલ શરીર એકાદશ ઈન્દ્રીઓ માયા મહતત્ત્વ (જે અંહકાર) જીવ, પરમાત્મા એ બધાનું જ્ઞાન હોય છે. તેમ વાસનીક દેહ સુક્ષમ અંતઃકરણ ચતુષ્ટય જીવાત્મા નીરલેપ છે, સાક્ષી છે. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તી, તુર્યા, સ્થૂલ, સુક્ષમ કારણ, મહાકારણ એ બધાનો સાક્ષી છે. છ ઉર્મિઓ અને પંચ કોષ વિગેરેની વેદાંતના આધારે ચર્ચા કહી. તેનો આશય સમજાવ્યો કે જે સર્વોપરી શ્રી પુરૂપોત્તમ ઓળખવા એવો સિદ્ધાંત છે. પુષ્ટિમાર્ગમાં પ્રેમ લક્ષણા બ્યાસીમી પરાભકિત છે તેને જાણવી. જે પરહંસ દશાને પ્રાપ્ત થયેલા તાદ્રશી ભગવદીયો દાસ ભાવથી પોતાના સ્વ પ્રભુજીની સેવા સ્મરણ કરે છે.


જે પોતાના મુખથી બીજો ઉચ્ચાર પોતાના પ્રભુ સીવાય કરતા નથી જેને હર્ષ કે શોક બાધા કરતો નથી. કેવળ એક ભગવદ ઈચ્છાને સર્વ કાર્યમાં મુખ્ય માને છે એવું પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ ભગવદ કૃપા વીના સમજાય નહીં. એવું સાંભળીને કાનદાસ રોમાંચીત થઈ ગયા. તે સમયે કાનદાસને પ્રશ્ન પુછવાનો ઉપજયો તે પોતાના મનમાં રાખ્યો અને જયારે કથાની સમાપ્તિ થઈ પછી રાયજી સાથે બેઠકમાં બિરાજયા, ત્યારે ભકિતના નવ પ્રકારના જે ભેદ અને તે કોણે કોણે કરી તે કહી બતાવ્યું એમ શાસ્ત્રોકત દસ ભક્તિનો પ્રકાર શ્રીમુખે કહ્યો. (કોણે કોણે ભકિત કરી તે આગળ કહી ગયા છીએ તેથી અહીંયા લખ્યું નથી) ઉપરોકત વચનામૃત વાંચતા ઘણું જ સમજાય તેવું છે. તેમાં મુખ્ય તો વૃજ કાષ્ટની માલાનું વર્ણન તેમ જ પ્રેમલક્ષણા ભકિત એક આશ્રયથી કરવામાં આવે તો જ પુષ્ટિ પુરૂષોત્તમની પ્રાપ્તિ થાય છે.  તે ભારપૂર્વક બતાવવામાં આવ્યું છે. વચનામૃત ખૂબ જ મનન કરવા જેવું છે.


જય ગોપાલ 🙏🏻

in Blog
Sign in to leave a comment
પ્રભુ શ્રી ગોપાલલાલજી નું સાતમું અને આઠમું વચનામૃત