શ્રી ગોપાલલાલજી શ્રી મુખથી રાસ પંચાધ્યાયની કથાનો પ્રસંગ પોતાના વૈષ્ણવોને સંભળાવી રહ્યા છે. પંદરમાં વચનામૃતમાં સૌ પ્રથમ શ્રવણનો અધિકાર સમજાવ્યો છે. ભગવદ કથા સાંભળનાર ઉપર કથાનો પ્રસંગ કહેવામાં આવે છે. તે વાત પરિક્ષત રાજાના દ્રષ્ટાંતથી સમજાવી. શ્રવણ કરનાર ઉત્તમ, મધ્ય અને કનિષ્ટ એમ ત્રણ પ્રકારના હોય છે. જેવું પાત્ર હોય તેવું ફળ મળે.
શુક્રદેવજી જયારે પરિક્ષત રાજાને શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે, ત્યારે રાસલીલાનો પ્રસંગ આવ્યો. ત્યારે પરિક્ષત રાજા તો મુક્તિના અધિકારી હતા, તે કાંઈ ભગવદલીલાના અધિકારી ન હતા તેથી તેને રાસલીલાનો પ્રસંગ સંભળાવીને શંકા થઈ કે શ્રી ઠાકોરજીએ ગોપવધુઓ સાથે કેમ રાસક્રીડા કરી ? પ્રભુ તો ધર્મનું સ્થાપન કરનારા છે, તે આવું પરસ્ત્રી સાથે રમણ કેમ કરે ? તેવી શંકા થઈ ત્યારે શુક્રદેવજીએ તેનો ખુલાસો કર્યો અને આગળ કથાનો પ્રસંગ બંધ કર્યો, અને એમ જાણ્યું જે આ તો મધ્યમ અધિકારી મુકિતનો છે.
પણ તેમાં ભગવદ ઈચ્છા બતાવી કે, ભગવદ ઈચ્છાએ શુક્રદેવજીને જે ઉપજ્યું તે કહ્યું અને ભગવદ ઈચ્છાએ પરિક્ષતને જે ઉપજયું તે પુછયું, તેમાં બન્નેમાંથી કોઈનો કોઈ અપરાધ નહિ. પણ જેવો પરિક્ષતનો અધિકાર હતો તેવું ભગવદ ઈચ્છાએ ઉપજયું તેવું સાંભળ્યું, શ્રવણના અધિકાર પ્રમાણે ફળ પ્રાપ્ત થાય. જે શુક્રદેવજીએ કહ્યું તેનો કાંઈ તેને ગર્વ નથી, અને પરિક્ષતે પોતાના અધિકાર પ્રમાણે પુછયું તેનો કોઈ અપરાધ નથી તો આ પ્રસંગમાં કાંઈ ખબર નથી. તે ઉપર તેનો ગુઢ આશય શ્રી ગોપાલલાલજી સમજાવી રહ્યા છે કે તેનો અર્થ શું?
જે અમારા પુષ્ટિમાર્ગમાં તો શ્રી મહાપ્રભુજીએ એવો સિદ્ધાંત લખ્યો છે જે પુષ્ટિ પુષ્ટિ (પૂર્ણ કૃપાપાત્ર અનન્ય ભગવદી) જીવ છે, તેણે તો બીજાનો સંગ અને બીજાની સાથે પોતાના માર્ગની ચર્ચા કહેવાની કે, સાંભળવાની ના કહી છે. કારણકે ભીનું કપડું કોરા કપડાને અડે તો ભીનું કરે. તેમ પોતાના ધર્મની પુરી ખબર ન હોય તેવા માણસની પાસે પોતાના ધર્મની વાત કરે કે સાંભળે તો પોતાનું મન કાચુ હોય તો સ્વધર્મથી ચલાયમાન થઈ જાય માટે સંગ કરવો તો પુષ્ટિમાર્ગી ભગવદીનો કરવો તેમ કહ્યું છે. તેનાથી પુષ્ટિ બુદ્ધિ થાય અને પુષ્ટિમાર્ગ ના રહસ્ય સમજાય માટે સંગ કરવો તો સ્વમાર્ગીય પુષ્ટિ ભગવદીનો જ કરવો.
તેના થી સ્વધર્મ જ્ઞાન થાય પોતાના પ્રભુ પ્રત્યે દ્રઢ ભાવના થાય, ઉતમ સંગથી ઉત્તમ ફળ મળે માટે ઉત્તમ સત્સંગ કહ્યો : તે ઉત્તમ સંગ કરવા વિષે એક દોહો કહ્યો: "રંક લોહ તરૂ કીટકો. સંગત પલટત અંગ" પુષ્ટિમાર્ગમાં ઉત્તમ એવા ભગવદીનો સંગ કરવા વિષે ખાસ ભાર મુક્યો છે. નિવેદન લીધા પછી તાદરશી ભગવદીનો સંગ કરવો. તો જ નિવેદન ફલિત થાય તેમ શ્રી આચાર્ય મહાપ્રભુજી સમજાવે છે. હાકલમાં પણ ડોસાભાઈએ કહ્યું કે, "તાદરશી સંગ મલણ જ કરે, અન્ય મારગ પગલુ નવ ભરે" તાદરસી ભગવદીનો મેલાપ રાખે તેના સંગમાં રહે અને અન્ય મારગમાં એટલે બીજા ધર્મ પ્રત્યે જરા પણ પગલું ભરે નહિ, જેને સ્વધર્મ વાલો છે તેને બીજાનું શું છે તે જાણવાની કોઈ ઈચ્છા રહેતી નથી. તે તો પોતાના સ્વધર્મના આચરણમાં મગ્ન રહે છે, તે બધું એક સત્સંગથી સમજાય છે, તે ઉપરના દોહરામાં સ્પષ્ટ કહ્યું છે.
રંક : રંક માણસને ધનની પ્રાપ્તિ થાય પછી એને બીજી શું જરૂર રહે છે, તે પછી બીજાની પરવા રાખતો નથી, તેમ જેને સ્વધર્મનું આચરણ કરવું છે તેને બીજા મારગની સાથે કશો સંબંધ નથી.
લોહ : જેમ લોઢાને પારસમણિ અડતા તે લોઢુ સોનુ બની જાય છે. તેની દેહ બદલાય જાય છે, તેમ જીવ ઉત્તમ ભગવદીનો સંગ કરે તો તે પણ ઉત્તમ ભગવદી બની જાય છે તેવો પ્રભાવ ભગવદીના સંગનો છે.
તરૂ : મલાયચલ પર્વત ઉપર સુખડના ઝાડ સાથે બીજા ઝાડ પણ તેની સુગંધવાળા થઈ જાય છે, તે સત્સંગનું ફળ છે.
કીટ : ઈઅળને પણ ભમરીનો સંગ થતાં મટીને ભમરી બની જાય છે, ઉપરના ચારે દ્રષ્ટાંતથી સત્સંગનું બળ અને ફળ અને સ્વરૂપ સમજાવ્યું છે.
તેનો આશય એ છે કે, વૈષ્ણવના સંગથી અવૈષ્ણવ પણ વૈષ્ણવ બની જાય છે, જેને એવી દ્રઢતા હોય તેવા વૈષ્ણવના સંગથી. પણ વૈષ્ણવ હોય અને અવૈષ્ણવોનો સંગ કરે તો પોતાની દ્રઢતા છુટી જાય એમ પણ બને માટે વૈષ્ણવે અવૈષ્ણવનો સંગ કયારેય પણ ન કરવો. એ વૈષ્વણના સંગથી પોતાની દ્રઢતા અને આશ્રય છુટી જાય તેમ ભાર દઈને શ્રી મુખથી સમજાવ્યું છે. તેની ઉપર એક શ્લોક કહ્યો.
"મદાશ્રિતાશ્વ યે ભક્તા વૈષ્ણવાશ્વ તથૈવ ચ |
તેષાં તુ દુષ્ટ સંગેન ધર્મહાનિ ભવેદધવમ" ||
શ્રી ગોપાલલાલજી કહે છે કે અરે વૈષ્ણવો (સેવકો) મારા આશ્રયવાળા જે ભકતો તથા વૈષ્ણવો છે. તેઓ કોઈ દુષ્ટ (અન્યમાર્ગીનો) મનુષ્યનો જો સંગ કરે તો અવશ્ય પોતાનો ધર્મ ચુકશો (અથવા તો પોતાના ધર્મની હાની ચોકક્સ થશે). શ્રી ગોપાલલાલજી શ્રી મુખથી પોતાની સૃષ્ટિના વૈષ્ણવોને ભારપૂર્વક કહે છે કે જે અમારી સુષ્ટિનો વૈષ્ણવ છે. તેણે અન્ય ધર્મનો (એટલે બીજા ધર્મનો) જે આશ્રિત છે (સેવક છે) તેનો સંગ ન કરવો. અને પોતાના સ્વધર્મી સિવાય બીજાની સાથે સત્સંગ પણ ન કરવો, અને તેની વાણી પણ ન સાંભળવી. તેનો સત્સંગ કરવાથી કે, તેની વાણી સાંભળવાથી સ્વધર્મથી ચલાયમાન થઈ જવાય માટે તેની ઉપર ગીતાનો શ્લોક કહીને સમજાવ્યું.
"શ્રેયાન સ્વધર્મો વિગુણ : પરધર્માવાનુષ્ટિતાત |
સ્વધર્મેનિધનં શ્રયે: પરઘર્મો ભયાવહ:" ||
(પારકા ધર્મ કરતા પોતાનો ધર્મ ઓછા ગુણવાળો હોય તો પણ પોતાનો ધર્મ સારો છે. પોતાના ધર્મમાં જ કલ્યાણ છે. પોતાના ધર્મનું પાલન કરતા મૃત્યુ થાય તે વધારે સારું છે પણ બીજાનો ધર્મ ભયકારક અને ખુબજ જોખમવાળો છે.)
તે ગીતાનો શ્લોક બોલીને કહ્યું, જે કોઈ સ્વધર્મ પોતાનો ચુક્યો તેનું સર્વસ્વ નાશ થાય છે.
તેવું સાંભળીને કાનદાસભાઈ તથા બીજા વૈષ્ણવો જે સાંભળે છે, તે બહુજ પ્રસન્ન થયા અને કહ્યું, જે આપણા સ્વગુરૂ જે ઈશ્વર પોતે પ્રગટયા છે, તેના વચનથી જ કલ્યાણ છે.
(પુષ્ટિમાર્ગમાં ગુરૂ એ જ ઈશ્વર છે, અને ઈશ્વર એ જ ગુરૂ છે બીજા કોઈ જીવ પુષ્ટિમાર્ગમાં ગુરૂ નથી, મર્યાદા માર્ગમાં એટલે બીજા માર્ગમાં ગુરૂ જીવ છે. અને ઉપાસના ઈશ્વરની છે, જયારે પુષ્ટિમાર્ગમાં ગુરૂપુર્ણ પુરૂષોત્તમ છે. અને સેવા પણ પુર્ણ પુરૂષોત્તમની છે. દ્વારકેશજીની ભાવભાવનામાં પણ ઉપરોકત ખુલાસો છે)
તેવું સાંભળીને આપ શ્રી મુખેથી બોલ્યા જે, "ઈશ્વરાણાં વસ્ત્ર સત્યં તથૈવાચરિતં કવચિત" પોતાના પ્રભુના વચન પ્રમાણે (આજ્ઞાનું પાલન કરવું) તે કહે તેમ કરવું પણ તે કરે તેમ ન કરવાની આજ્ઞા છે. કારણકે તેની જેવું આચરણ જીવથી બની શકે નહિ.
જે પોતાના ઈષ્ટ પ્રભુ તેના વચન પ્રમાણે ચાલવું, અને કયારેય કોઈ જગ્યાએ એટલે કોઈ સમયે જે વેદ વચન પ્રમાણે ચાલવું અને ધર્મ શાસ્ત્રના વચન પ્રમાણે ચાલવુ એમ પણ લખ્યું છે. પણ તેમાં કાર્યનો વિચાર કરીને ચાલવું. જેમાં પોતાના સ્વધર્મનું રક્ષણ થતુ હોય તેમ વિચારીને ચાલવું, જે આપત્કાલ અને વિપત્કાલ બન્ને સમયે ધર્મશાસ્ત્રની મર્યાદાનું ઉલંઘન સ્વધર્મ સાચવવા માટે થાય તો તેમાં દોષ નથી. તેમ કહ્યું, આપત્કાલ વિપત્કાલ સમયે ધર્મશાસ્ત્રની મર્યાદાનું ઉલંઘન કરવા વિષેનું દ્રષ્ટાંત આપી સમજાવે છે. તેમાં રેણુકા અને જમદગ્નિ ઋષિના સંબંધની વાત કહે છે. જમદગ્નિ ઋષિ મહાન ભગવદી હતા, જેમણે કાળ ક્રોધને પોતાના દેહમાંથી દુર કર્યો હતો, અને પોતે એમ માનતા હતા કે, હું બહ્મવેતા છું. મારે કાળ ક્રોધનું શું કામ છે, એ તો ચાંડાલ છે, જેનાથી સર્વ કાર્ય નાશ થાય છે.
એક સમય સહાસ્ત્રાર્જુન નામનો રાજા ઋષિના આશ્રમમાં આવ્યો. તે રેણુકાનો બનેવી થાય તેના કારણે રેણુંકાએ જમદગ્નિ ઋષિને દીનતાથી વિનંતી કરીને કહ્યું કે આને જમવા નોતરૂ આપો અને કહ્યું કે હું શું કરું હું તો નિષ્કંચન છું. અને એતો રાજા છે એમ સ્ત્રીના મનમાં આવ્યું, ત્યારે ઋષિ તો રજોગુણી હતા. તેમણે સાંભળીને કહયું કે તું એમ શા માટે કરે છે, જમવાનું નોતરૂ આપો. ત્યારે જમદગ્નિ ઋષિએ કામદુગ્ધા ગાયને સ્વર્ગમાંથી બોલાવીને પોતાના આશ્રમમાં બધો વૈભવ ખડો કરી દીધો અને રાજાને જમવા બોલાવ્યો.રાજા તો આ બધો વૈભવ જોઈને મનમાં વિચાર કરવા લાગ્યો કે આતો ઋષિ છે અને આની પાસે આ વૈભવ ઘડીકમાં ક્યાંથી ખડો થઈ ગયો.
ત્યારે તેણે રેણુંકાને પૂછયું કે, ઋષિ તો નિષ્કંચન છે અને આ વૈભવ કયાંથી પ્રાપ્ત થયો? ત્યારે રેણુંકાએ જે હકીકત હતી તે સત્ય કહી કે, સ્વર્ગમાંથી કામઘેનું ગાયને બોલાવીને આ વૈભવ ખડો કર્યો છે, આપને જમાડવા માટે. ત્યારે રાજાએ તે કામધેનુ માગણી ઋષિ પાસે કરી, ત્યારે ૠષિએ ના કહી અને રાજાની સાથે યુદ્ધ થયુ, અને તેની સઘળી સેનાનો નાશ કર્યો. અને ઋષિને પોતાની સ્ત્રી ઉપર ખુબ ક્રોધ થયો. તે સમયે પોતાનો મોટો પુત્ર આવ્યો અને તેને કહ્યું કે આ રાંડને મારી નાખ, ત્યારે તેના મોટા પુત્રે કહ્યું જે મહારાજ આપ તો મુનિશ્વર છો. અને એ મારા માતુશ્રી છે. તેનો અપરાધ કરવો તે તો વેદશાસ્ત્રમાં મહાન નિષેધ કહ્યો છે. ત્યારે ઋષિને ક્રોધ થયો અને તે મોટા પુત્રને બાળીને ભસ્મ કરી નાખ્યો. ત્યારે બીજો પુત્ર આવ્યો તેનો પણ તેવી રીતે નાશ કર્યો.
ત્યારે ત્રીજા પુત્ર પરશુરામે આવીને દંડવત કર્યા, અને જોવે છે તો આખું લાલ ચોળ થઈ ગઈ છે અને કહ્યું શું છે ? ત્યારે ઋષિએ કહ્યું કે એ રાંડને મારી નાખ. ત્યારે પરશુરામે મનમાં વિચાર્યુ જે આપત ધર્મ છે તેમાં વેદશાસ્ત્રનો શું વિચાર કરવો ?
ત્યારે પરશુરામે તેમ વિચાર કરીને પોતાની પાસે જે પરશુ-કુહાડી હતી, તેનાથી મસ્તક કાપી નાખ્યું. ત્યારે ઋષિ પ્રસન્ન થયા, બોલ્યા જે તમે વેદ મર્યાદાનું ઉલંઘન કરીને મારી આજ્ઞાનું પાલન કર્યું છે, તો હું તમારા ઉપર પ્રસન્ન છું. ત્યારે પરશુરામે કહ્યું કે, આ ત્રણેયને તમે સજીવન કરો, ત્યારે ઋષિએ ત્રણેને સજીવન કર્યા. એમ પોતાના પ્રભુની આજ્ઞાનું પાલન કરવું. તેમ કહીને શ્રીજી એ ચર્ચાનો સમાપ્ત કર્યો.
પોતાના પ્રભુ ઉપરથી વિશ્વાસ અને દ્રઢતા ઉઠી જાય તે સિવાય બીજો આપત્કાલ વધારે શું છે ? તેજ આપતકાલ વધુમાં વધુ ગણાય જેનાથી સર્વથા ભજન સ્મરણ અને ભક્તિમાંથી વિશ્વાસ જાય, તો પછી જીવને બાકી શું રહે. માટે વૈષ્ણવે એ ક્યારેય પણ અવૈષ્ણવનો સંગ ન કરવો. અને ઘણું કરીને દુઃસંગ પણ સર્વથા ન કરવો, તેમ આ વચનામૃતમાં ખાસ માર્ગના સિદ્ધાંત રૂપ રહસ્ય સમજાવવામાં આવ્યું છે. આ વચનામૃતને વૈષ્ણવે ખાસ વારંવાર મનન કરી લક્ષ્યમાં રાખવા જેવું છે. પોતાના પ્રભુની આજ્ઞાનું પાલન કરવું તે જ ખાસ સ્વધર્મ બતાવવામાં આવ્યો છે, તેની આજ્ઞાના પાલનથી જ જીવનું સર્વથા કલ્યાણ છે.
જે કોઈ પોતાનો સ્વધર્મ ચુકે તેનાથી વધારે દુ:ખ બીજુ શું હોય શકે? પરશુરામે આપતકાલમાં પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યુ તો સર્વસ્વ પ્રાપ્ત કરી શક્યા. તેમ જીવ જો પોતાના પ્રભુની આજ્ઞાનું પાલન કરે તો પ્રભુના પદને જરૂર પ્રાપ્ત કરી શકે. વળી ભગવદ લીલાનું શ્રવણ કરતા કોઈ જાતની શંકા ન લાવવી, તેનાથી ઉત્તમ ભાવનો નાશ થાય છે. શ્રી ગોપાલલાલજીના વચનામૃત ખરેખર પોતાની સૃષ્ટિના વૈષ્ણવને તેમ પુષ્ટિમાર્ગીય જીવ માટે અમૃત સમાન છે. જેમ અમૃત મળતા નિચેતન પ્રાણને પોષણ મળે, તેમ આ પ્રભુના વચનામૃતરૂપી અમૃતનું પાન કરનાર જીવને જરૂર ધર્મરૂપી પ્રાણનો હૃદયમાં સંચાર થાય.
જય ગોપાલ 🙏🏻