Skip to Content

પ્રભુ શ્રી ગોપાલલાલજી નું પ્રથમ વચનામૃત

24 October 2025 by
Bansi Joshi
| No comments yet

એક વૈષ્ણવે શ્રી યમુનાજીનું મહત્તમ્ય કેવું છે તે વિશે પ્રશ્ન પૂછેલ છે ત્યારે શ્રી ગોપાલ લાલજીએ તે વૈષ્ણવ સામું જોઈને મંદ સ્મિત સાથે શ્રી યમુનાજીના સ્વરૂપ તથા જલ વિશે સમજાવતા શ્રી આચાર્ય મહાપ્રભુજી રચિત યમુનાષ્ટકનો એક શ્લોક કહીને શ્રી યમુનાજીનું મહાત્મ્ય સમજાવવા લાગ્યા.

           પુષ્ટિમાર્ગમાં સૌ પ્રથમ શ્રીમદ વલ્લભાચાર્યજીએ શ્રી યમુનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીના સ્વરૂપનો તથા જલ્લો અઘાત મહત્મ્ય પ્રગટ કર્યો છે. પુષ્ટિમાર્ગના મુખ્ય વિધાતા શ્રી યમુનાજી છે. એક સમયે શ્રી વલ્લભાચાર્યજી શ્રી ઠકરાની ઘટે બિરાજતા હતા . તેવામાં એકાએક તેમને વિચાર આવ્યો કે શ્રી ઠાકોરજી નિર્દોષ છે અને જીવનો સ્વભાવ સકલ દોષ યુક્ત છે જ્યાં સુધી જીવનો સ્વભાવ નિર્દોષ ન થાય ત્યાં સુધી શ્રી ઠાકોરજી સાથે તેનો સાચો સંબંધ બંધાઈ નહીં. અને સાચો સંબંધ બંધાઈ નહીં ત્યાં સુધી જીવને ભગવત સેવામાં ચિત લાગે નહીં.

તેવા જીવના સ્વભાવને નિર્દોષ કરવા વાળા અને પુષ્ટિ માર્ગનું પરમ ફળ આપવા વાળા શ્રી યમુનાજી જ છે. તેવા આશય થી શ્રી મહાપ્રભુજીએ સર્વપ્રથમ સ્ત્રી યમુનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી અને જીવને પોતાના સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરાવનાર શ્રી યમુનાજી છે. તે શ્રી યમુનાષ્ટક ના પાઠ દ્વારા સ્તુતિ દ્વારા જીવ પોતાના સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્ટિ માર્ગના પરમફલને પ્રાપ્ત કરી શકે છે. તેવું વર્ણન શ્રી યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ કર્યું છે.

           શ્રી ઠાકોરજી ખટ ( છ ) ગુણ સંપન્ન છે. જ્યારે શ્રી યમુનાજી અષ્ટગુણ સંપન્ન છે. શ્રી ઠાકોરજી કરતા તેનામાં બે ગુણ વધારે છે. શ્રી યમુનાજી અષ્ટ એશ્વર્ય  ગુણ સંપન્ન છે. તેવું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે.

            શ્રી યમુનાષ્ટક ના દરેક શ્લોકમાં એક એક એશ્વર્ય જણાવેલું છે.

પ્રથમ શ્લોકમાં - સકલ સિદ્ધિના હેતુ રૂપે. તમામ પ્રકારની અલૌકિક સિદ્ધિઓ નું દાન કરનારા સાક્ષાત સેવાપયોગી દેહની પ્રાપ્તિ, તેમની લીલાનું અવલોકન ભગવદ લીલાનું રસાનું ભવ સર્વાત્મક ભાવ વગેરે સિદ્ધિઓનું નિરૂપણ કર્યું છે

બીજા શ્લોકમાં - તદલીલાવલોકનની સિદ્ધિ વર્ણવેલી છે. ભગવત ભાવની વૃદ્ધિ કરવી શ્રી ઠાકોરજીમાં ભક્તની પ્રીતિ વધારવી.

ત્રીજા શ્લોકમાં - શ્રી ઠાકોરજીની પ્રાપ્તિમાં નડતા પ્રતિબંધોને દૂર કરીને તેમના અનુભવને યોગ દેહને શુદ્ધિ પ્રાપ્ત કરાવવી.

ચોથા શ્લોકમાં - સર્વાત્મક ભાગની સિદ્ધિ. ભક્તને શ્રી ઠાકોરજી સાથેનો સંબંધ બીના પરિશ્રમ એ કરાવવો શ્રી યમુનાજીમાં અષ્ટગુણ છે અને ઠાકોરજીમાં ખટગૂણ છે તેવા ભાવનું નિરૂપણ છે.

પાંચમા શ્લોકમાં - શ્રી ઠાકોરજીને પ્રિય બનાવવા ભક્તોના કલીના દોષો દૂર કરવામાં સમર્થ છે.

છઠ્ઠા શ્લોકમાં - પોતાના સેવનથી વ્રજભક્તોની જેમ જીવને શ્રી ઠાકોરજીના કૃપાપાત્ર બનાવવા રૂપ સિદ્ધિ છે.

સાતમા શ્લોકમાં - ભગવત વશીકરણ રૂપી સિદ્ધિ છે નુતન દેહની પ્રાપ્તિ કરાવવી અને સેવાપયોગી દેહ ને બનાવવો.

આઠમા શ્લોકમાં - ભગવદરસ પોષ્કત્વરૂપી સિદ્ધિ છે. રાસાદીક લીલામાં રાસ રમણ સમયે શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામીની જીના અંગે અંગમાંથી જે રમણ રસ સમજલ ઉત્પન્ન થયું તેનું આપે જલવિહાર કરે શ્રી યમુનાજીમાં સમાગમ કરાવ્યો છે. એટલે શ્રી યમુનાજી એ ભગવદ રસરૂપ શ્રમજલ ના જ સરિતા બન્યા છે. તે રસ શ્રી યમુનાજીના બુંદે બૂંદમાં રહેલો હોવાથી તેમની સેવા કરનારને પણ એ રસનો આસ્વાદ અથવા અનુભવ મળે છે.

             ઉપર પ્રમાણેની સર્વ સિદ્ધિઓના દાતા શ્રી યમુનાજી છે. આવી અલૌકિક સિદ્ધિઓ નું દાન પ્રાપ્ત કર્યા પછી પુષ્ટિમાર્ગીય જીવને બીજી કોઈ મનોકામના હોતી નથી.

            પુષ્ટિમાર્ગમાં શ્રી યમુનાજી સર્વોપરી છે. શ્રી યમુનાજી રાસ રમણના અધિષ્ઠાત્રી છે. શ્રી યમુનાજી દ્વારા જ જીવને રાસની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિમાર્ગીય જીવ માટે શ્રી યમુનાજી મુખ્ય છે. કારણકે શ્રી યમુનાજી સકલ સિદ્ધિઓના દાતા છે. બીજા મર્યાદા માર્ગમાં જેમ લોકિક શુભ કાર્યોમાં શ્રી ગણેશજીને મુખ્ય માને છે અને તેને શુભ કાર્યની સિદ્ધિના હેતુ રૂપ માને છે. તેમ પુષ્ટિમાર્ગીય જીવને શ્રી યમુનાજી લૌકિક અને અલૌકિક શુભ કાર્યમાં મુખ્ય મનાય છે. તેથી પુષ્ટિમાર્ગીય જીવના મુખ્ય વિધાતા શ્રી યમુનાજી છે. વિશેષમાં ભગવત ચરણારવિંદ ની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે

            શ્રી યમુનાજીના જળ વિશે સમજાવે છે : 'એ જલ કહા હૈ!' શ્રી યમુનાજી નું જલ બીજી સામાન્ય નદીઓ જેવું જલ નથી. પણ રાસાદીક લીલામાં રાસ રમણ સમય શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામીની જીના અંગો અંગમાંથી જે રમણ રસરૂપે શ્રમચલ પ્રગટ થયું તેનો આપે ઝડપીહાર કરી શ્રી યમુનાજીમાં સમાગમ કરાવ્યો. એટલે શ્રી યમુનાજી એ ભગવત રસરૂપે શ્રમ જલના જ સરિતા બન્યા છે. શ્રી યમુનાજીના બુંદી બુંદમાં રહેલો હોવાથી એમની સેવા કરનારને પણ એ રસનો આસ્વાદ અથવા અનુભવ મળે છે.

            શ્રી યમુનાષ્ટકના છઠ્ઠા શ્લોકમાં આ જલના મહાત્મ્ય વિશે શ્રી મહાપ્રભુજી સમજાવે છે.

' ન જાતુ યમયાતના ભવતિ તે પય:પાનત: ' છઠ્ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીને નમન કરીને કહે છે કે, હે શ્રી યમુનાજી!  હું આપને નમન કરું છું કારણ કે આપનું ચારિત્ર એવું અદભુત છે કે જે જીવ આપના જલનું પય: પાન કરે છે તેને ક્યારેય યમ સંબંધી ભય રહેતો જ નથી. તેવું આપના જલનું અગાધ મહાત્મ્ય અને અદભુત ચરિત્ર છે કારણ કે આપનું જલ તે સમજલ રૂપ છે તેમ શ્રી ગોપાલ લાલજી એ શ્રી યમુનાજીના સ્વરૂપ વિશે ટૂંકમાં સમજાવ્યું છે.

હવે ગોવિંદસ્વામીને શ્રી ગોપાલલાલજીએ શ્રી યમુનાજીના સાક્ષાત સ્વરૂપનું દર્શન નિજધામમાં કરાવ્યું છે. તેનું દ્રષ્ટાંત શ્રી ગોપાલલાલજી આપે છે. ગોવિંદસ્વામી શ્રી વિઠ્ઠલનાથજી (શ્રીગુંસાઈજી) ના સેવક હતા. શ્રી ગોપાલલાલજી એ શ્રી મહાપ્રભુજી તથા શ્રી વિઠ્ઠલનાથજીના ઘણા સેવકોને પોતાના બાલચિરત્રમાં પોતાની લીલા દેખાડી છે અને પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે.

શ્રી ગોપાલલાલજી એક સમય શ્રી યમુનાજીમાં જલક્રિડા કરવાને નિમિતે શ્રી યમુનાજીના તટ ઉપર પધાર્યા છે. એ સમયે પોતાની વય આઠ વરસની હતી અને પોતાની સમાન વયના અગીયાર બાલકો વલ્લભકુલના સાથે હતા. અને શ્રી યમુનાજીમાં જલક્રિડા કરવા લાગ્યા. એ સમયે ગોવિંદસ્વામી શ્રી યમુનાજીના તટ ઉપર આવ્યા અને શ્રી ગોપાલલાલજી ને ખેલતા જોઈને પોતે કહ્યું: કે મને તમારો ખેલ દેખાડો! ત્યારે શ્રી ગોપાલલાલજી એ કહ્યું કે "તારા મનમાં જે ઈચ્છા હોય તે દેખાડું," તેમ કહી ગોવિંદસ્વામી ની બાહ્યા પકડીને શ્રી યમુનાજીના મધ્ય પ્રવાહમાં લઈ જઈને ગોવિંદસ્વામી સહિત પોતે જલમાં ડુબકી મારી.

ડુબકી મારતાની સાથે જ ગોવિંદસ્વામી સહિત ગોપાલલાલજી નિજધામમાં પહોંચ્યા અને ત્યાં ગોવિંદ સ્વામીને દિવ્ય ચક્ષુનું દાન થતા જ નિજધામનું દર્શન થયું. અને શ્રી યમુનાજી મણિહાટિક હિંડોળા ઉપર બિરાજી રહ્યા છે. એવું શ્રી યમુનાજીના સાક્ષાત સ્વરૂપનું દર્શન કરાવ્યું. આમ નિજધામ માં ચાર ઘડી રહ્યા. પછી ગોવિંદસ્વામી સહિત પાછા શ્રી યમુનાજીના તટ ઉપર આવી ગયા.

એવું શ્રી યમુનાજીનાં સ્વરૂપનું પ્રગટ પ્રમાણ મહાત્મ્ય જાણ્યા પછી કોઈ દિવસ ગોવિંદસ્વામી એ શ્રી યમુનાજીમાં પગ બોળ્યો નહિ માત્ર પાન જ કર્યું. ગોવિંદસ્વામી એ શ્રી યમુનાજીના સાક્ષાત સ્વરૂપ અને મહાત્મ્ય સંબંધી ઘણા પદોની રચના કરી છે. તે પુષ્ટિમાર્ગમાં ખુબ જ પ્રચલિત છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે. જ્યારે શ્રી ગોપાલલાલજી એ સાક્ષાત સ્વરૂપના દર્શન ગોવિંદસ્વામીને કરાવી ને શ્રી યમુનાજીનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે.

ત્યારથી શ્રી ગોપાલલાલજી ની સૃષ્ટિના સેવકો શ્રી યમુનાજીનું પાન જ કરે છે સ્નાન નહિ. ધન્ય છે તેવા સેવકોને પોતાના સ્વામીની આજ્ઞાનું હાર્દ સમજી અદ્યપી પર્યંત તે ટેકનું પાલન કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ પણ યમુનાષ્ટકમાં પાનનું જ મહાત્મ્ય બતાવ્યું છે સ્નાનનું નહિ. શ્રી ગોપાલલાલજીની સૃષ્ટિમાં શ્રમજલના ભાવથી સેવન થાય છે. તે ક્રમ આજ પણ ચાલું જોવામાં આવે છે. શ્રી યમુનાજીના સ્વરૂપનું મહાત્મ્ય જેવું શ્રી ગોપાલલાલજીની સૃષ્ટિમાં જોવામાં આવે છે. તેવું અન્ય સૃષ્ટિમાં ભાગ્યે જ હશે.

શ્રી ગોપાલલાલજીના પ્રથમ વચનામૃતમાં ભગવદીના ભાવ વિષે અને શ્રી યમુનાજીના સ્વરૂપ વિષે પ્રસંગ સમજાવવામાં આવ્યો છે. તે વચનામૃત નિત્ય નિયમ પુર્વક વૈષ્ણવ જો ભગવદ વાર્તામાં વાંચન કરવાનું રાખે તો પુષ્ટિમાર્ગનું ગુઢ રહસ્ય સમજાય તેમાં જરા શંકાને સ્થાન નથી.

જય ગોપાલ 🙏🏻
in Blog
Sign in to leave a comment
પરમ ભગવદી તેજુબાઈ નો પ્રસંગ