સીહોરના ક્ષત્રિય રાવળ રાજા અખેરાજને ત્યો મેઘાજી નામે મહાપતિવૃત્તા પત્નિ હતા, તેમની પાસે શ્રી ગોપાલલાલના સેવક સેંદરડાના રહીશ અગ્યાસણા મોઢ બ્રાહ્મણ મોરારદાસ ભગવદ્ ગુષ્ટ કરતા. તેમના સંગે કરી, સંવત સોળસો છાસઠમાં શ્રી ગોપાલલાલ પ્રદેશ પધાર્યા ત્યારે તેમના સેવક થયા હતા. મેઘાજીને રત્ન સમાન રતન રાવળ નામે પુત્ર હતો. તે ઘણા જ લાડથી ઉછર્યો હતો.
મરાઠી સાખી -
અશ્વની સુંદર એક વછેરી, રાયે વહાલે ઉછેરી, ખાન પાન આપીને ભારે નવ એને કદી છેડી, થઈ યોગ્ય હવે.. હાં…….સ્વારી કરવા જેવી કુટુંબનું મંડળ સહુ બેઠું, પુત્રે વાત ત્યાં છેડી, સ્વારી લાયક થઈ વછેરી, છે સુંદર એ કેવી; મનહર એવી...હાં….નહીં હોય કો સ્થળે એવી.
રતન રાવળે અશ્વની બદું જાતની એક સુંદર વછેરી ઉછેરી મોટી કરી, તે સ્વારી કરવાને યોગ્ય થઈ તેથી એક વખત માતાજી સર્વ કુટુંબીઓ સહીત બેઠાં હતાં. ત્યારે વાત કરી માતુશ્રી જુઓ, આ વછેરી કેવી સુંદર અને મનહર છે. આવી મનહર ધોડી તો કોઈ સ્થળે નહીં હોય. એ સાંભળી પ્રેમઘેલા માતુશ્રી હર્ષમાં આવી ગયા, મહાન ભગવદી કે જેમને પ્રભુ કરતાં કોઇ અધિક નથી-સારામાં સારી ઉત્તમ વસ્તુ શ્રી ઠાકુરજીને અરપણ થાય એવી તો જેમને દ્રઢ ભાવના છે. તે હર્ષમાં બોલી ઉઠ્યા. બેટા! એ ઘોડી તો પ્યારા પ્રભુ ગોપાલલાલજીને જ લાયક છે. એ હવે તમારાથી ન રખાય.
એ નવ તમથી રખાય, બાળારાજા…એ નવ તમથી રખાય, કહે છે મેઘાજી માય, બાળારાજા.
ગોકુળપતિ શ્રી ગોપાલ પ્રભુને, ચઢવા યોગ્ય જણાય...બાળા.
સુંદર એવી શ્રી પ્રભુ લાયક, તમથી નવ વપરાય... બાળા. જેવી પોડી વારે તૈયા, ગોકુળ પતિજ ગણાય....બાળા.
એ ઘોડી તો પ્રભુને અરપણ થઈ ચુકી, એ હવે તમારાથી વપરાય નહીં. રતન રાવળને મેધાજી ના એ શબ્દો સાંભળી પગની જવાળા માથા સુધી પહોંચી ગઈ, અને રીસ ચડાવી કહેવા લાગ્યો- માતા આવી વગર વિચારી વાત શું કરી છો, આજ સુધી આટલો ખર્ચ કરી અનહદ શ્રમ વેઠી, પાળી પોષી મોટી કરી તે ધોડી શું આપી દેવી, તે કેમ બને ? એ ઘોડી મને અતિશય પ્રિય છે છતાં પણ માતાનું વચન પાળવું જ જોઈએ છે શાસ્ત્ર વચન મુજબ કહું છું કે જો આપને એ પ્રભુ ઉપર પૂર્ણ સ્નેહ હોય તો સાત દિવસમાં એ પ્રભુને અહીં બોલાવી એ ઘોડી ભેટ કરો. પણ જો તે દરમિયાન પ્રભુ અહીં આવી અંગીકાર નહીં કરે તો હું તેના પર સવારી કરીશ.
મેઘાજી ઘણા જ વિચારમાં પડી ગયા. ચારસો ગાઉ દૂર જઈને શ્રી ઠાકુરજીને સાત દિવસમાં પધરાવી લાવવા એ ક્યાંથી બની શકે ! તે ઘણાં જ મુંઝવણમાં ગુંચવાયા, ત્યારે તેને યાદ આવ્યું કે પ્રભુને ભક્ત પ્યારા છ, તેઓ મહાન ભયવાળાં કામ પણ વિના પરિshrame કરી શકે છે. વળી ભગવદીની કાની સિવાય પ્રભુ પધારતા નથી, તેમ કોઈ અંગીકાર પણ કરતા નથી. તે પ્યારા પ્રભુ ભગવદીના હ્રદયનાવાસી છે. માટે મારા વ્હાલા ભગવદી કૃપા કરે તોજ એ કાર્ય નિર્વિઘ્ને થાય. તે સિવાય બીજો ઉપાય જ નથી. તેથી વૈષ્ણવોને ભેળા કરી તેની પાસે વિનંતી કરી અને તે સાથે જ ટેક લીપી કે સાત દિવસમાં પ્રભુ અહીં પધારી ઘોડી અંગીકાર ન કરે તો નદી કિનારે ચિતા ખડકી બળી મરવું અને ત્યાં સુધી અનજળ ન લેવા. તેનાં એવાં વચન સાંભળી વૈષ્ણવો ઘણા જ દીલગીર થયા અને વિચારમાં પડી ગયા પણ પ્રભુમાં જેને અડગ શ્રદ્ધા છે, તે દુ:ખની વખતે વિશ્વાસ અને ધીરજ કેમ ચુકે ? તેથી પ્રભુકૃપાથી મોરારદાસે જાવાનું કબુલ કર્યું અને મંડળીમાં કહ્યું હું પ્રભુને પધરાવવા માટે જાઉં છું. જરૂર તે દયાસિંધુ ને તેડીને જ આવીશ. મોરારદાસના એવા અડગનાના વચન સાંભળી વૈષ્ણવો ગળગળા થઈ ગયા અને ઉમંગમાં આવી તેમને જવા માટે આજ્ઞા આપી. તેથી મોરારદાસ વૃજ ગોકુળની વાટે રવાના થયા. મનમાં અનેક પ્રકારના વિચારો આવ જા કરે છે. પ્રભુની અનેક પ્રકારની લીલાનું સ્મરણ કરતા પંથ કાપે જાય છે. મનમાં કોઈ જાતનો ડર નથી, હરખ નથી તેમ શોક પણ નથી અને પ્રભુને વિનંતી કરતા કરતા ચાલ્યા જાય છે. મનમાં દર્શનની લે લાગી છે, ચાલતાં ચાલતાં છ દિવસ વિતી ગયા. થાકી લોથપોથ થઈ ગયા છે. ચાલવાની શક્તિ પણ હવે રહી નથી. ગોકુલ પહોંચવાની આશા તો વમળમાં પડવા લાગી. નદી કનારે એક સુંદર વૃક્ષ જોઈ રાત્રે ત્યાં આરામ લેવા નિશ્ચય કરી બેઠા. પ્રભુને વિનવતા અને સ્મરણ કરતા નિદ્રા ને આધીન થઈ ગયા.
ઘટઘટ વ્યાપી અંતર્યામી પ્રભુ સહુના અંતરની જાણે છે. તે પોતાના ભક્તને કોઈ દિવસ ઓછું આવવા દેતા નથી. તેણે અંતરીક્ષ રીતે મોરારદાસને તેની પથારી સહીત શ્રી ગોકુલ જમુનાજીના નીર પર ઠકુરાણી ઘાટે સુવારી દીધા.
સવારના મોરારદાસ ઊઠી જુએ છે તો મહારાણીજી ધીરા ધીરા ચાલ્યા જાય છે. તેથી ઉઠી દર્શન કરી પાન કર્યા અને મંદિરમાં જઈ શ્રી ગોપાલલાલના દર્શન કરી ચરણા માં પડયા. પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. ઓખોમાંથી પ્રેમના અશ્રુઓ વહી રહ્યાં છે હૃદયનો ઉભરો કયાંઈ સમાતો નથી એવા મોરારદાસને શ્રી ગોપાલલાલે હાથથી પકડી બેઠા કર્યા અને પોતાની છાતી સાથે દબાવી શાંત્વન કર્યું. આ સમયના તેના હર્ષનું વર્ણન કોણ કરી શકે ?
વ્હાલા રાખો આવી મારી લાજ તમારો આધાર છે.
મને આપ તણો છે વિશ્વાસ, વિલંબ ના કરો હવે.
દાસી દુ:ખમાં લેવાણી અમાપ, અરે કાર્ય શે સરે; મારા મનની બધીએ હુલાસ, આવ્યા વિના ક્યાં ફળે.
છોડી સફળ વ્હાલા ગૃહ કાજ, સંભાલ લીઓ હવે;
પળ પણ ન ખોટી થાઓ નાથ, દાસી ભાવથી સ્તવે.
થાવા બેઠી ફજેતી અમાપ, રાજા કેમ માનશે; થાશે વ્હાલા તમારી પતરાજ, નહીં આવો જો આ સમે.
હે પ્રભુ, તમારો જ આધાર છે. તમે આવી મારી લાજ રાખજો. મને આપમાં જ વિશ્વાસ છે. હવે વિલંબ કરશો નહીં. દાસી મહા સંક્ટમાં આવી પડી છે, અરેરે! આ કામ કેવી રીતે બનશે. મારા મનનો બધો ઉત્સાહ આપના આવ્યા વીના ક્યાંથી સફળ થાય ? નાથ ! ત્યાંના બધા કામકાજ છોડી મારી સંભાળ લીઓ વાલા ! આપની નિષ્કંચન દાસીની વિનંતી સુણી ધ્યાનમાં લઈ એક પળ પણ ખોટી થશો નહીં મહાન ફજેતી થશે. રાજા માનશે પણ શી રીતે ? વળી આ સમયે નહીં આવો તો તમારી પણ અપકીર્તિ થશે. વિશેષ તેનાથી બોલી શકાયું નહીં. મોઢેથી સ્મરણ કરતાં આંખમાંથી દડદડ આંસુ ચાલ્યા જાય છે. પ્રભુમાં તન-મન પરોવી તદ્રુપ બની ગઈ. એમ દિવસો ઉપર દિવસો જવા લાગ્યા. ઝરૂખામાં બેસી દૂરદૂર સુધી નજર કરે છે. એ મુજબ છ દિવસ વીતી ગયા ત્યારે તેના અંતરમાં બીક પેસી ગઈ છે અરેરે! મારી વિનંતિ સ્વીકારી પ્રભુ હજી ન આવ્યા. કોઈ સેવક બહાર જાય તેને કહેતા કે તમને જો શ્રી ગોપાલલાલજીના દર્શન થાય નો તુરંત મને ખબર આપજો. એ મુજબ આર્તનાદથી વારંવાર વિલાપ કરે છે અને શ્રી ગોપાલલાલજીની રાહ જુએ છે. સાતમો દિવસ થાતા અતિ આતુર થઈ ગઈ કે જો પ્રભુ આજ સાંજ સુધીમાં આવે તો મારું કામ પાર પડે, પણ જો સાંજ સુધીમાં નહીં આવે તો આ દેહનો જરૂર અંત લાવીશ. આટલું બોલતાં રોમાંચ થઈ ગયા, હ્રદય ભરાઈ ગયું. અને બેશુદ્ધ બની ગયા.
મોરારદાસે દંડવત્ કરી પ્રભુને પત્ર આપ્યો તે શ્રી ઠાકુરજીએ દાસના દાસ બની પોતાના ભક્તની અધિકતા કરવા પાસે બેઠેલા વૈષ્ણવો સમક્ષ વાંચવો શરૂ કર્યો.
સ્વસ્તિ શ્રીરે ગોકુળીયું ગામ રે જ્યાં છે મારા પ્રભુજીનું ધામ રે.
તેને પ્રેમે કરું પ્રણામ રે...........સ્વસ્તિ.૧
રંગ મ્હોલ વિષે વસનારા રે, શ્રમ દેવા ચાહે દીન બાળા રે.
જપું નાથ તમારી માળા રે..........સ્વસ્તિ.ર
મ્હારે સંકટ શીર પર આવ્યું રે, તેથી નાથ તમોને કહાવ્યું રે.
ખરે ટાણે નામ યાદ આવ્યું રે........ સ્વસ્તિ.૩
બદુ ઘોડી પ્રભુ તમ માટે રે, રાયે ઉછેરી છે જીવ સાટે રે.
આવી આપ સ્વીકારો સ્વ હાથે રે.......સ્વસ્તિ.૪
સાત દિવસની મહેતલ કીધી રે, વાત આપને સહુ સીધી રે.
મારા ઉરમાં પૂર્ણ પ્રતીતી રે........સ્વસ્તિ.૫
વ્હાલા નહીં જો આવો મુજ માટે રે, તન છોડીશ સાતમી રાતે રે, પાળો બીરદ કરૂણા કરી આપે રે......સ્વસ્તિ.૬
લખે મેઘાજી દાસી તમારી રે, વાલા શુધ લેજો ઝટ મારી રે.
બધાકામ થકી પરવારી રે.......સ્વસ્તિ.૭
ઉપર મુજબ દિનતાનો પત્ર વાંચતા કોટી કંદર્પ લાવણ્ય એવા શ્રી ગોપાલલાલજીના સ્વરૂપમાંથી ઝળેળાટ કરવું તેજ ચારે દિશામાં પ્રસરી ગયું. પોતે આનંદિત બની ગયા, અને સ્મિત હાસ્ય કરી કહેવા લાગ્યા, વાહ ! કેવી ભક્તિ, ધન્ય છે.
વૃદ્ધિ પામેલી મારી ભક્તિ મને જે પ્રમાણે વશ કરે છે તે પ્રમાણે મને યોગ, સાંખ્ય, ધર્મ, વેદાધ્યયન, તથ અથવા દાન પણ વશ કરતા નથી. હું કેવળ શ્રદ્ધા થી કરેલી ભક્તિથી સત્પુરૂષોને વશ થાઉં છું. મારા ભક્ત મને જેવા પ્રિય લાગે છે તે પ્રમાણે બ્રહ્મા મારા પુત્ર હોવા છતાં પ્રિય લાગતા નથી, શંકર મારું સ્વરૂપ છતાં પ્રિય લાગતા નથી. લક્ષ્મી પ્રિય લાગતા નથી, તેમ જ મને મારું પોતાનું સ્વરૂપ પણ મારા ભક્ત કરતાં વિશેષ પ્રિય લાગતું નથી. મોરારદાસ ! તમે ઘણા જ મોડા આવ્યા. આજ સાંજે તો સીહોર પહોંચવું જ જોઈએ. અહીંથી કેટલું દૂર ? પણ મને ખાત્રી છે કે મારા ભક્તોના ભક્તિ બળથી અને તમારી જેવા નિસ્વાર્થ ભગવદીઓની પ્રેમદ્રષ્ટિથી હું પહોંચીશ જ. અને ભક્તિરસમાં જેનું હ્રદય રેલમછેલ બનેલું છે, જેણે પ્રભુ સિવાય અન્ય કશું માન્યું જ નથી એવા પ્રેમઘેલાં મેઘાજીને જરૂર મળીશ માટે હવે જલદી રથની તૈયારી કરો.
મોરારદાસ કહેવા લાગ્યા, પ્રભુ હું તો રંક છું. જીવ છું. દોષથી ભરેલો છું. મારૂં શું ગજું ? આપ સચરાચર વ્યાપી છો. ત્રણે ભુવનના નાથ છો. આપનાથી અન્ય કશું જ નથી. આપથી શું અજાણ્યું છે ? આપને કયું કાર્ય અશક્ય છે ? કૃપાનિધાન આપ સર્વ કરવા સમર્થ છો. નેનના પલકારા માત્રમાં ચાહો તેટલું કરી શકો છો. કે જ્યાં મારી જેવા પતંગીયાની દ્રષ્ટિ પણ ન પહોંચી શકે. એટલું કહી ચરણસ્પર્શ કરી, હર્ષાશ્રુથી ટપકતે નેત્રે દીન થઈ મોરારદાસ તથા શ્રી ગોપાલલાલ રથમાં બેસી મેઘોજીની સહાય કરવા રવાના થયા.
લાવણી - થઈ રયે સ્વાર (૨) સત્યર પ્રભુ ત્યાંથી ચાલ્યા, વિનંતિ સ્વીકારી દાસીની, સહુ તજી તુરત પરવાર્યા; મોરાર સાથ (૨) પ્રભુ સિહોર ગામ પધાર્યા, એક દિવસ માહી આવી, સહુ કાર્ય સુધાર્યા ;પાદરની માંહ્ય (૨) રોકાય રઘુ સુત આવી,
મોરાર ગામમાં જાય છે, કહેવા પધારી સ્વારી.
શ્રી ગોપાલલાલ રથમાં બીરાજ્યા અને મોરારદાસ રથ હાંકે છે, કેટલેક જતાં મોરારદાસને એકદમ નિદ્રા આવવા લાગી. તેથી શ્રી ઠાકુરજી કહે છે. મોરારદાસ તમે ઘણા જ થાકી ગયેલા છો અને ઘણા દિવસથી નિંદ્રા પણ પુરી કરી નથી તેથી તમોને રથ હાંકતાં નિદ્રા આવે છે. આ પ્રમાણે રથ ચાલે તો આપણે ક્યારે પહોંચીએ માટે તમો રથમાં આવી સુખેથી નિંદ્રા લ્યો અને લાવો હું રથ હાંકવા બેસું. મોરારદાસ જાણતા હતા કે પ્રભુ ઈચ્છાથી જ દરેક કાર્ય બને છે. માટે બીજી કોઈ વાત નહીં કરતા રથમાં આવી પોતે સુતા અને શ્રી ઠાકુરજી રથ હાંકવા બેઠા. મોરારદાસ સુતા કે તરત નિદ્રાને આધીન બની ગયા, અને પ્રભુએ અંતરિક્ષ રીતે રથ લાવી સુરકાના વનમાં ઉભો રાખ્યો અને મોરારદાસને જગાડી કહેવા લાગ્યા, મોરારદાસ તમો ઉઠો અને જુઓ આ કયું ગામ આવ્યું ! મોરારદાસ એકદમ ઉઠી જુએ તો સુરકાનું વન ભાળ્યું તેથી કહેવા લાગ્યા- પ્રભુ અકળીત શક્તિ તમારી તેનો પાર કોણ પામી શકે ? પોતે ઉઠી દંડવન કરી રથ હાંકવા બેઠા અને શ્રી ગોપાલલાલ રથમાં બેઠા. સીહોરના પાદરમાં રથ ઉભો રાખી મોરારદાસ વધામણી આપવા માટે ગામમાં ગયા.
આ વખતે મેઘાજી શ્રી ઠાકુરજીનું એક ચિત્તથી ધ્યાન ધરી બેઠા છે. સાંજ પડવા આવી પણ હજુ શ્રી ઠાકુરજી પધાર્યા નહીં. તેથી ચિતા ખડકવાની આશા આપવાનો વિચાર કરે છે. એટલામાં મોરારદાસ આવી પહોંચ્યા.તેમને જોઈ મેઘાજી એકદમ દોડી મોરારદાસ ના પગમાં પડ્યા. પ્રેમથી આંખમાંથી અશ્રુ પ્રવાહ ચાલી રહ્યો છે. ગદ્ ગદ્દ કંઠ થવાથી મુખથી બોલી શકાતું નથી. તેથી હાથ જોડી, ઉભા રહ્યા ત્યારે મોરારદાસ કહે શ્રી ગોપાલલાલજી પધાર્યા છે, માટે હવે બધા દુઃખ દુર કરી સામૈયા કરી શ્રી ઠાકુરજીને પધરાવો એટલે તમારી ઈચ્છા પૂર્ણ થાય.
એ સાંભળી મેધાજીના હર્ષનો નો પાર જ રહ્યો નહીં, જે એક ઘડી પહેલાં શોક સાગરમાં ડુબેળા હતા , શું કરવું તે કાંઈ સુઝતું નહોતું તે આનંદ સાગરમાં ઝુલવા લાગ્યા. ગામમાં પણ સઘળે સ્થળે ખબર પડી ગઈ. રતન રાવળને સમાચાર મળતાં રાણીઓને શણગાર સજવા આજ્ઞા આપી. ઘણા વૈભવથી ઠાઠમાઠથી સ્વારી કાઢી શ્રીગોપાલલાલજીને પધરાવવા ચાલ્યા.
સાખી -
પૂર્ણ ભાવથી શ્રી વૃજ પતિને, સહુ નમતા પ્રિતધારી, રાય નોછાવર કરતો ચાલ્યો, તનમાં પ્રેમ અપારી.
ઉમંગે અંત:પુર માંહી લાવ્યા શ્રી વૃજધારી, ભેટ ધરે સહુ તેની આગળ, જે જેણે નિરધારી.
બદુ ધોડી નારે આપી, રાયે રત્ન અપારી,પ્રજાજનો સહુ કંઈ કંઈ આપે, પ્રભુ પર નિજ તન વારી.
કરી સ્વીકાર કૃતારથ કીધા, સોળ અઠોતેર માંહી,જુગલ કીશોર સ્વરૂપ આખું, કરવાને સેવા ત્યાંહી.
ભાવનગરમાં ગાદી સ્થાપી, ત્યાર પછી નરપાળે, સેવા સોંપી વિપ્રોને તે, હજી સુધી સંભાળે.
જોશીને કંઈ જમીન આપી, તેમાં નેગ ચલાવે,મંદીર ભવ્ય બનાવી આપ્યું, છે હજી સાનુભાવે.
મોરારની જોઈ કાર્ય શિઘતા, ઉંચર્યા શ્રી વૃજધારી, પ્રસાદ લેતા પહેલાં વૈકાવ, યાદી દેશે ત્હારી.
ઉમંગથી સામૈયાં કરી શહેરમાં પધરાવી લાવ્યા, રાજમહેલમાં ઉતારો આપ્યો. મેઘાજીએ બદુ ઘોડી ભેટ કરી, રતન રાવળે કીમતી રતનો ભેટ કર્યાં, તેમજ પ્રજાજનોએ પણ પ્રભુ ઉપર પોતાના તન-મન કુરબાન કરી સહુ પોતપોતાની શક્તિ અનુસાર ભેટ કરવા લાગ્યા.
શ્રી ઠાકુરજીએ એ બધાનો અંગીકાર કર્યો. મેર્ધજીને સાત દિવસના ઉપવાસ છોડાવી પ્રસાદ લેવરાવ્યા મોરારદાસનું અપ્રતિમ કાર્ય અને ભાવના જોઈ શ્રી ઠાકુરજીએ કહ્યું વૈષ્ણવો પ્રસાદ લેતાં તમોને યાદ કરશે. તેથી આપણામાં કહેવાય છે કે - વૈષ્ણવો લ્યો પ્રસાદ મોરારદાસ આવ્યા મેધાજીને મદનમોહન તથા સ્વામીનીજીનું સ્વરૂપ સેવા કરવા પધરાવી આપ્યું એ પ્રમાણે સં. ૧૬૭૮ની સાલમાં સહુને કૃતાર્થ કીધાં.
જીવને સત્ય જાણ્યા પછી અને સમજાયા છતાં પણ પોતાના પૂર્વનાં સંસ્કાર આડા આવે છે અને દ્રઢ થવા દેતા નથી. તે મુજબ રતન રાવળને પણ લોંમવીલોમ થયું. અને શ્રી ઠાકુરજી તથા મેધાજી બેઠા છે તેમાં વાત કરી કે માતાજી શ્રી ઠાકુરજીને ક્યાં ખોટ છે? આવી ધોડીઓ તો એમને અનેક હશે. હવે આ ઘોડી તમોએ અર્પણ કરી દીધી. તે ઘોડી શ્રી ઠાકુરજી મને આપે તો શું વાંધો? એ સાંભળી તેના મનની વૃત્તિ જોઈ તેની અજ્ઞાનતા દૂર કરવા શ્રી ઠાકુરજીએ કૃપા દરશાવી કહ્યું -રતન જા, ઘોડીઓ બાંધી છે તેમાંથી તારી ઘોડી ઓળખીને લઈ લે. જોજે પણ બીજી લેતો નહીં.
એ સાંભળી રતન રાવળ ઉઠયો, અને જઈ જુવે તો એક સાથે પચાસ ઘોડીઓ એક જ સરખી બાંધેલી છે. તેમાં પોતાની ઘોડી કઈ તે રતન રાવળ ઓળખી શક્યો નહીં, પોતાના મનમાં વિસ્મય પામ્યો. પોતે એક ઘોડી માટે કેટલો પરિશ્રમ વેઠયો હતો. તો આ એક સાથે પચાસ ઘોડી જેણે ઉછેરી, પાળી પોષી મોટી કરી, તેને કેટલો પરિશ્રમ અને કેટલો ખર્ચ લાગ્યો હશે. છતાં તેમને કોઈ જાતનો હર્ષ શોક નથી, અને મેં આ એક ધોડી માટે કેટલી ઉપાધી કરાવી, અરે છેવટે પ્રભુને પરીશ્રમ વેઠી અહીં પધારવું પડયું અને મને આટલો બધો મોહ. અરે ધિક્કાર છે મને કે હું કોઈ સમજી શક્યો નહીં. અને ઠાકુરજીના સ્વરૂપને ઓળખી શક્યો નહીં એમ વિચાર કરતાં કરતા પોતાના મનથી પોતાને ધિક્કારતો શરમાતો આવી પ્રભુના ચરણમાં પડયો અને કહેવા લાગ્યો પ્રભુ ! હું અધમ આપને શરણે છું, મારો અપરાધ ક્ષમા કરો. એમ કહી ગદ્દ ગદ્દ કંઠે બની ચરણસ્પર્શ કરી ચરણમાં લોટવા લાગ્યો. પ્રભુએ તેને બેઠો કરી, શીર પર હસ્ત ધર્યો. મેઘાજી પણ વિનંતી કરવા લાગ્યા પ્રભુ રતનને શરણે લ્યો.
શ્રી ઠાકુરજીએ તેને સેવક કર્યો અને શરણે લીધો, એ પ્રમાણે અનેક જીવોને શરણે લઈ કૃતાર્થે કરી પોતે પધાર્યા. ત્યારપછી ૧૭૦૧માં શ્રી ગોપન્દ્રજી પ્રદેશ પધાર્યા ત્યારે રતન રાવળને દર્શન આપ્યા હતા.
જય ગોપાલ 🙏🏻