Skip to Content

પ્રભુ શ્રી ગોપાલલાલજી નું અઢારમું અને ઓગણીસમું વચનામૃત

24 October 2025 by
Bansi Joshi
| No comments yet
અઢારમાં વચનામૃત માં શ્રી ગોપાલલાલજી પોતાના સેવકો ને અનન્યતા, દ્રઢતા અને પુષ્ટિમાર્ગીય સત્ય સિદ્ધાંત નું પાલન કેવી રીતે કરી રહ્યા છે તે સમજાવ્યું છે. પુષ્ટિમાર્ગમાં ભગવદ ચરણારવિંદની પ્રાપ્તિ સિવાય બીજા કોઈપણ ફળને માનવામાં આવ્યું નથી. કોઈ વ્રત, જપ,તપ કે કર્મકાંડ વિગેરેને પુષ્ટિમાર્ગના સિદ્ધાંત માનવમાં આવ્યું નથી. પોતાની સૃષ્ટિના વૈષ્ણવો કેવો ભગવદ ધર્મ પાળે છે. તેના દ્રષ્ટાંતથી તે બ્રાહમણને પુષ્ટિમાર્ગના સિદ્ધાંત ને સમજાવી રહ્યા છે અને તે બ્રાહ્મણે શ્રી ગોપાલલાલજીના સેવકો કેવો ભગવદ ધર્મ પાળે છે.


તેની સ્પષ્ટતા કરતા કહે છે કે મહારાજ ! આપના સેવકો તો એક ઠાકુર ઠાકુર કરે છે. બીજા કોઈને માનતા નથી તેમજ વંદન કે નમન પણ કોઈને કરતા નથી. કર્મકાંડ અને વૃત, જપ,તપ વિગેરેના તો મહાન દુશ્મન છે. શ્રી ગોપાલલાલજીની સૃષ્ટિમાં ઉપરોકત બ્રાહ્મણે કહેલી હકીકત થી તે સાબિત થાય છે કે શ્રી ગોપાલલાલજીની સૃષ્ટિમાં તેમના સેવકો કેટલા અનન્ય અને ચુસ્ત પુષ્ટિમાર્ગના સિધ્ધાંતનું પાલન કરતા હતા.


બ્રાહ્મણની વાતને સમર્થન આપતા શ્રી ગોપાલલાલજી તે બ્રાહ્મણને પુષ્ટિમાર્ગના સિદ્ધાંત નું રહસ્ય સમજાવે છે કે તે મારા સેવકો તો શુદ્ધ વૃતાદિક પ્રકાર એકાદશી કરે છે. કારણકે તેને એક સત્યવત દ્રઢતા છે. અને જપ તપ વૃતાદિકનું જે ફળ છે તે તો બ્રહ્માદિક દેવોની પદવી સુધીનું છે તેને વૈષ્ણવ નરક સમાન જોવે છે. અને ચાર પ્રકારની મુકિતની પણ જે ઈચ્છા રાખતા નથી તે એવા બ્રહ્માદિક દેવોના પદને પામવાની તુચ્છ ઈચ્છા શા માટે રાખે અને કોઈ સત કર્મ કરીને પુણ્ય મેળવીને સુખની પ્રાપ્તિ કરે.


પણ તે ક્યાં સુધી જયાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી પછી જન્મ તો નરક છે જ એવા કર્મથી જન્મ મુત્યુની નિવૃત્તી નથી થતી તો તે કર્મ શું કામનું.અને તે વૈષ્ણવોને તો પુર્ણ પુરૂષોત્તમના ચરણારવિંદનું જ ધ્યાન છે. તે જ સુખને ઈચ્છે છે બીજા સુખને ઈચ્છતા જ નથી. અને જેને એક આશ્રય સત્યવ્રત ટેકથી જે એક નામનો આશ્રય ગ્રહણ કર્યો છે તેને બીજી કાંઈ ઈચ્છા રહેતી નથી.


ઓગણીસ માં વચનામૃત માં શ્રી ગોપાલલાલજી બ્રાહ્મણને વધારે આગળ સમજાવે છે. કે મુળ મંત્ર એક નામ છે તેનાથી જ કલ્યાણ છે. સદગતિ છે. તેથી વૈષ્ણવની અવજ્ઞા ન કરવી. કારણ કે તેને અમે એવી દ્રઢતા, ટેક, અનન્યતા અને તાદશીપણું અમારાથી કહ્યું ન જાય તેવું છે. કોઈનો દ્રોહ કરવાની શાસ્ત્રમાં પણ ના લખી છે. દ્રોહ તો ઈર્ષાથી થાય છે, તે વૈષ્ણવોને કોઈની ઈર્ષા તો ન હોય જે બને તે ભગવદ ઈચ્છા કરીને માનેઅને દેવી જીવ પુષ્ટિમાર્ગીના આચરણ લક્ષણના સર્વ પ્રકાર અમે આગળ કહ્યા છે.


તેવી દ્રઢતા અને અનન્યતા પ્રકારે તેવો રહે છે. તેવું સાંભળીને અમે તેનો હાથ પકડયો છે તેને કેમ છોડીએ. એવું શ્રી મુખે શ્રી ગોપાલલાલજીએ કહ્યું તેને નિશ્વે માનીને જે જીવ રહે તો તેના વચનથી જ કલ્યાણ છે. ભગવદ વાણીનું યથાર્થ પાલન કરવાથી જીવનું પરમ કલ્યાણ થાય છે. તેમ સર્વ શાસ્ત્રમાં લખ્યું છે. જે વિશ્વાસ, દ્રઢતા,અનન્ય પ્રેમ અને ભગવદ પ્રત્યે શુધ્ધ ભાવથી સંસારની નિવૃતી થાય છે.


ઉપરોક્ત વચનામૃતમાં સાર એ લેવાનો છે કે, પુષ્ટિદેવી જીવો જે છે. તે ઉત્તમ કોટિના છે. તેવા ઉત્તમ કોટિના જીવો ભગવદ ચરણારવિંદની પ્રાપ્તિ સિવાય બીજા કશાની ઈચ્છા રાખતા નથી. બ્રહ્માદિક દેવોની પદવીને કે મોક્ષના સુખની પણ જે ઈચ્છા રાખતા નથી તે સંસારી વિષયોની કામના માટે તુચ્છ કર્મો શા માટે કરે. ભગવદીઓ શ્રી ઠાકોરજીની સેવાને અર્થે જ પોતાનું સર્વસ્વ માને છે. તેઓ કોઈ વ્રત, જપ, તપ, કે કર્મકાંડ વિગેરેને ભગવદ પ્રાપ્તિમાં બાધક સમજીને તજી દે છે. તેનાથી થતા તુચ્છ સુખને ઈચ્છતા નથી શાસ્ત્રોકત કર્મોને ગૌણ ગણે છે.


તેનું કારણ એ જ છે કે તે કર્મો સ્વર્ગાદિકના સુખને આપીને પુણ્ય પુર્ણ થવાથી સંસારમાં જન્મ આપે છે તેથી તે કર્મોને ત્યાં જય પુષ્ટિમાર્ગમાં ગણ્યા છે. અને શ્રીઠાકોરજીના ચરણારવિંદની પ્રાપ્તિ કરાવવાની તેનામાં શકિત નથી. પણ ભગવદ પ્રાપ્તિમાં તે બાધક રૂપ ગણાય છે. જેમ અમૃત ભોજન કર્યા પછી કોઈપણ ભોજનની આકાંક્ષા રહેતી નથી. તેમ ઉત્તમ પ્રકારે શ્રી ઠાકોરજીની સેવાની પ્રાપ્તિ થયા પછી કોઈપણ વ્રત, તપ, કે તીર્થાદિક કે કોઈ કર્મકાંડ કરવાની જરૂર રહેતી નથી.


કોઈ પ્રાણીનો દ્રોહ ન કરવો. તેમાં પણ ભગવદીનો તો ખાસ દ્રોહ ન કરવો. કારણકે ભગવદી અને શ્રી ઠાકોરજીમાં ભેદ હોતો નથી તેથી ભગવદી દુઃખાવાથી શ્રી ઠાકોરજી દુઃખાય છે. એવો મત શાસ્ત્રનો પણ છે માટે બની શકે તેટલી ભગવદીની સેવા કરવી પણ દ્રોહ તો ન જ કરવો. તેના દ્રોહથી ભગવદ ધર્મ અને જીવના સતકર્મનો નાશ થાય છે. માટે ભગવદીનો દ્રોહ કરનાર જીવનું દુષ્ટપણું પણ અમારા મુખથી કહી ન શકાય તેવું છે. તેમ આ વચનામૃતમાં ભારપુર્વક સમજાવ્યું છે. ભગવદીની કૃપાથી સર્વ સિદ્ધ થાય અને કફાથી સર્વ નાશ થાય માટે આ વાત ખાસ વિચારવા જેવી દરેકને માટે વિચારશે તે પામશે.


જય ગોપાલ 🙏🏻

in Blog
Sign in to leave a comment
પ્રભુ શ્રી ગોપાલલાલજી નું સત્તરમું વચનામૃત