શ્રીગોપાલલાલજીના એક એક વચનામૃતમાં પુષ્ટિમાર્ગના સત્ય સિદ્ધાંત નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્રીજા વચનામૃતમાં વૈષ્ણવે શ્રી ઠાકોરજીનો આશ્રય કર્યા પછી પોતાનું હીન ભાગ્ય છે એમ કોઈ દિવસ મનમાં લાવવું નહિ અને મારૂ શું થશે એવી ચિંતા પણ ન કરવી. પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજીની શરણાગતિ સ્વીકાર્યા પછી જીવે કશી ચિંતા કરવાની રહેતી નથી. અને જીવ એ કશી વાતની ચિન્તા કરે એનું પોતાનું દુર ભાગ્ય માને તો શ્રી ઠાકોરજી થી બહિર્મુખ થવાય છે.
ગોવિંદસ્વામી જ્યાં સુધી મહાપ્રભુજીના સેવક થયા ન હતા. ત્યાં સુધી પોતે સેવા કરતા એટલે તેમને સહુ કોઈ સ્વામી કહેતા હતા. જયારથી શ્રી મહાપ્રભુજીના સેવક થયા ત્યારથી તેમનામાં દાસ ભાવ આવ્યો પછી તેમને કોઈ સ્વામી કહેતું તે ગમતુ નહિ. પણ પેલાની છાપ રહી. તેથી તેમણે શ્રી ગોપાલલાલજીને પુછયું કે લોકો મને સ્વામી કહે છે તેથી મારું અનિષ્ટ તો નહિ થાય ને? કારણકે સ્વામી નામથી કદાચ મને અહંભાવ આવી જાય તો મારૂ બગડે તેથી તે ખુલાસો કરવા વિનંતી કરી.
ત્યારે પ્રભુ શ્રીગોપાલલાલજીએ સુંદર ખુલાસો કર્યો કે સ્વામી નામથી કોઈ સ્વામી થઈ જવાતુ નથી. પણ જે વૈષ્ણવ ઉપર પોતાનો અધિકાર ચલાવે ને તેના દ્વારા પોતાનુ ભરણપોષણ કરે અને પોતાની માન પ્રતિષ્ઠા સ્વામી નામથી વધારે એવું જીવમાં અભિમાન આવે તો રજોગુણ વધે તેથી જીવનું બગડે માટે વૈષ્ણવે તો હંમેશા દાસ ભાવથી વર્તવું, મિથ્યા અધિકારની લાલસા ન રાખવી. વળી તમે તો શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર છો શ્રીજીની લીલાના અનુભવી છો માટે મુખથી મારું શું અભાગ્ય એમ ન કહેવું. તેનાથી હીનભાવ આવી જાય અને શ્રી ઠાકોરજીની લીલાના ધ્યાનથી ભ્રષ્ટ થવાય છે. માટે વૈષ્ણવે કોઈ વાતનો શોચ ન કરવો. સંસાર શકિત છોડીને પ્રભુના ધ્યાનમાં મસ્ત રહેવું.
જયાં સુધી જીવને સંસારની આશક્તિ છે. ત્યાં સુધી પ્રભુની સાચી ભકિત થઈ શક્તિ નથી. અન્યમાં રાગાદિક જે છે તે ચિતને ચલાયમાન કરે છે. અને અનેક ઠેકાણે ભટકાવે છે. ઘર બંધન રૂપ થાય છે અને મોહ પગની બેડી રૂપ થાય છે. તે મનુષ્ય પોતાનું કાઈ સાર્થક કરી શકતો નથી. એવું દ્રષ્ટાંત આપીને જીવને સમજાવ્યું કે જીવે કદી સ્વામી પણાનો ભાવ ન વિચારવો દાસપણામાં સર્વ સુખ છે.
"કકામાં કહ્યું કે દ.દા સર્વસ્વ દાસમાં દાખ્યું, ડોસા જીવન ભાણે ભાખ્યું, કહયું કૃષ્ણદાસે, કુંવરજીએ પાખ્યું".
ઉપરોકત કકામાં ડોસાભાઈ, જીવનદાસ, ભાણજીભાઈ, કૃષ્ણદાસ અને કુંવરજી ગાંધીએ સર્વોએ મહાન ભગવદી હોવા છતા દાસ પણાના ભાવથી જ વર્તન કર્યું અને તે પ્રમાણે આપણને પણ દાસ ભાવથી રહેવા કહયું. દાસ ભાવથી રહેવાથી જીવનું કયારે પણ બગડતું નથી. પુષ્ટિ ભગવદીઓ એ તો સદા સર્વદા દાસાનું દાસ ભાવ જ માગ્યો છે. દાસાનું દાસ ભાવથી અહંનો સર્વથા નાશ થાય છે. જે સુખ છે દાસમાં તે સુખ નથી આપમાં એટલે હું પણામાં સુખ છે જ નહીં, તે ઉપરોક્ત વચનામૃત ત્રીજામાં સમજાવેલ છે.
ચોથા વચનામૃતમાં શ્રીગોપાલલાલજી શ્રીમદ ભાગવત ઉપર શ્રી મહાપ્રભુજીએ સુબોધીનીના નામથી ટીકા કરેલ છે, તે ટીકાના વધારે અર્થને સમજાવવામાં જે બીજા શ્લોકો કરેલ છે તેને કારિકા કહેવામાં આવે છે. તેમાં વ્રજભકત સબંધી પ્રસંગની ચર્ચા કરી રહ્યા છે. જે વ્રજભકતો નો શ્રી ઠાકોરજીએ કેવો અંગીકાર કર્યો અને તે વ્રજભકત ભગવદીયો નો ભાવ પણ શ્રી ઠાકોરજી પ્રત્યે કેવો છે. તે સુબોધિનીના આધારે સમજાવી રહ્યા છે. વ્રજભકતો એ કેવી પ્રેમલક્ષણા ભકિત કરીને શ્રી ઠાકોરજીને વશ કરી લીધા. જેથી પ્રભુ વ્રજભક્તો કહે તેમજ કરતા તેમને આધીન થઈ રહેતા. તેવી જ પ્રેમલક્ષણા ભક્તિનું દાન પુષ્ટિમાર્ગમાં જીવને પ્રાપ્ત થાય છે અને થયું છે. તેના અનેક દ્રષ્ટાંત આપણા ગુણમાલ-ભક્તમાલ ગ્રંથમાંથી મળી રહે છે.
આપશ્રી જયારે સુબોધીની ઉપર નો પ્રસંગ વ્રજ ભકતોના ભાવ વિષેનો જયારે સમજાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના વૈષ્ણવ કાશીદાસના મનની વાત શ્રી ગોપાલલાલજીએ સાંભળી અને કચ્છ માંડવીના રહીશ કાનદાસ કાયસ્થ નામના વૈષ્ણવ સામે જોયુંને કહેવા લાગ્યા. જીવની કેટલી મુર્ખતા છે. આ કાશીદાસના મનમાં પ્રશ્ન પુછવાનો ઉપજયો છે, કે મારો અંગીકાર થથયો છે કે હવે થશે ? તેની ઉપર આપશ્રી એકાદશ સ્કંધ નો શ્લોક બોલીને સમજાવી રહ્યા છે, જેણે ભરત ખંડમાં જન્મ લીધો અને પુષ્ટિમાર્ગનો જે જીવે આશ્રય ગ્રહણ કર્યો છે. અને વ્રજમંડલ નો અનુભવ જેને થયો છે તો પછી અંગીકારમાં શું ખામી રહે ? જીવને હંમેશા સાચો વિશ્વાસ હોવો જોઈએ. અને જીવે તો પોતાના મનમાં એમ જ માનવુ કે, શ્રી ઠાકોરજી મારા છે અને હું શ્રી ઠાકોરજી નો છું, એવી દ્રઢ ભાવના થયા પછી શું ખામી રહે? અને વૈષ્ણવે કોઈ દિવસ એમ ન કહેવું કે હું શું કરું મારામાં તો કાંઈ કરવાની શકિત નથી. એવો ભાવ ન વિચારવો પણ પોતાના હ્રદયને વિષે સત્ય પ્રેમ પ્રભુ ઉપર પ્રિતિ પૂર્વક એક દ્રઢ વિશ્વાસ હોય તો સર્વ કાર્ય સિદ્ધ થાય છે. દેહ તો ચિંતામણી રૂપ છે. જેવી ભાવ ચિતવો તેવું ફલ પ્રાપ્ત કરાવે છે.
પુષ્ટિમાર્ગીય જીવે કયારે પણ પોતાના અંગીકાર બાબતની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. જે જીવ પુષ્ટિમાર્ગનો આશ્રય કરીને રહે છે અને તેના સિદ્ધાંત પ્રમાણે પોતાનું જીવન જીવે છે તેણે ક્યારે પણ પોતાના અંગીકાર બાબતની ચિન્તા કરવાની રહેતી નથી. વૃજભકતના ભાવ મુજબ જીવ જો પ્રભુ ઉપર પ્રેમ અને વિશ્વાસ રાખે તો પછી અંગીકારમાં શું ખામી રહે!
નવખંડમાં ભરત ખંડની શ્રેષ્ટતા શ્રી ઠાકોરજી બતાવે છે બીજા ખંડમાં જન્મ લેવાથી પ્રભુની પ્રાપ્તી થતી નથી. જયારે ભરત ખંડમાં તો પ્રભુએ અનેક વાર અવતાર ધારણ કર્યા છે. જયારે બીજા ખંડમાં તે વાત નથી. ભરત ખંડમાં મહાન ભગવદીઓ સંત મહંત ભકતો થઈ ગયા છે નરસી મહેતા એક પદમા ગાય છે.
ભરતખંડ ભુતલમાં જન્મી, તેણે હરીના ગુણ ગાયા રે.
ધન્ય ધન્ય તેના માતાપિતાને, સુફલ થઈ તેની કાયા રે.
માટે ભરતખંડમાં જન્મ લેવો તે વાત ન્યારી છે. તો શ્રી ગોપાલલાલજી પણ ભરતખંડમાં જન્મ લેવાનો દાખલો આપે છે.
તેમાં પુષ્ટિમાર્ગનો આશ્રય ગ્રહણ કરીને જેણે એકવાર વ્રજમંડલની ઝાંખી કરી છે પછી તે જીવને પોતાના અંગીકારમાં કાંઈ પણ ખામી નથી તેમ સમજવું. 'ભગવાનપિ પુષ્ટિો ન કરિષ્યતિ લૌકિકીચ ગતિમશ'
મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં સમજાવે છે કે, જયાં ભગવાન પુષ્ટિસ્થ છે પછી તે જીવ એના શરણો આવ્યો છે તેની લૌકિક ગતિ સર્વથા નહિ કરે. પણ જીવને એક સત્ય વિશ્વાસ હોવો જોયે ભક્તિમાર્ગ એટલે સંપુર્ણ વિશ્વાસનો જ માર્ગ. તે પણ પ્રીતિ પૂર્વક પ્રિતિ સહિતનો વિશ્વાસ જોયે તો જ ભક્તિ ફળે છે. આ મનુષ્ય દેહ રૂપી ઉતમ વહાણ આ જીવને પ્રાપ્ત થયું છે તે ભગવદ ઈચ્છાથી જ પાપ્ત થયું છે. જીવ ઈચ્છે તો મળે તેમ નથી, પણ ભગવદ કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એવા સુંદર વહાણને પ્રાપ્ત કરીને જે તરવાની ઈચ્છાને બદલે જીવ તે વહાણમાં દુષ્ટકર્મ રૂપી પથ્થરા ભરે તો તે જીવને પોતાનો નાશ કરનારો જ સમજવો. વળી દેહને ચિંતામણી રૂપ કહ્યો છે. ચિંતામણી જેની પાસે હોય છે તેને જે ચિતવે તે તેને પ્રાપ્ત થાય છે. તેમ મનુષ્ય પોતાના દેહરૂપી ચિંતામણીને પ્રાપ્ત કરીને ભગવદ ચરણારવિંદની પ્રાપ્તિની ઈચ્છા કરે તો જરૂર પ્રભુ પદની પ્રાપ્તિ થાય. અને સંસારના વિષયાદિકની ભાવના કરે તો તે પ્રાપ્ત થાય.
તે માટે દેહને એક વહાણની ઉપમાં આપી તેમજ બીજી ચિંતામણી ઉપમાં આપીને શ્રી ગોપાલલાલજી ચોથા વચનામૃતમાં એ વાત સમજાવી રહ્યા છે કે જીવે પોતાના પ્રભુ ઉપરનો વિશ્વાસ છોડીને કયારે પણ પોતાના અંગીકારની ચિંતા ન કરવી જે જીવ પુષ્ટિમાર્ગનો આશ્રય કરીને રહ્યો છે એટલે કે પુષ્ટિમાર્ગના આચરણ મુજબ જે તેના સિદ્ધાંત નું પાલન કરી રહયો છે. તેને તો કોઈ દિવસ ચિંતા કરવાની રહેતી નથી. વળી જે જીવ પુષ્ટિમાર્ગમાં આવ્યો છે. તે એક જન્મે બે જન્મે કે ત્રણ જન્મે તેનો નિસ્તાર કર્યા વગર પ્રભુને છુટકો જ નથી. કારણકે પુષ્ટિમાર્ગનું એવું બિરુદ છે શ્રી ઠાકોરજી પુષ્ટિસ્થ છે અને કૃપા માર્ગ છે. જેથી જીવનું મહદભાગ્ય છે. જે પુષ્ટિમાર્ગનો આશ્રય કરીને રહ્યો છે. એવું આ વચનામૃતમાં સમજાવવામાં આવ્યું છે.
જય ગોપાલ 🙏🏻