ઉપરોકત પાંચમાં વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી વેદાંતનો વિષય બૃહદારણ્ય ઉપનિષદના ભાષ્યની ચર્ચા સંભળાવી રહ્યા છે. તેમાં શુદ્ધ કર્મ માર્ગની વાતનો પ્રસંગ ચાલ્યો છે. તેમાં શુદ્ધ પુષ્ટિમાર્ગના કર્મનું પ્રતિપાદન થઈ રહ્યું છે. શ્રી ઠાકોરજી હસીને કહી રહ્યા છે. જે દાદાજી (વલ્લભાચાર્યજી) એ કેવા સુંદર પુષ્ટિમાર્ગનું સ્થાપન કર્યું છે. જેમાં સર્વ લૌકિક વૈદિક કર્મનું ઉલ્લંઘન એટલે ત્યાગ કરીને ભગવદ સેવા તથા પુષ્ટિ માર્ગીય સ્વધર્મનું પાલન એ જ મુખ્ય કર્મ બતાવ્યું છે. તેને બીજા કોઈ પણ કર્મ બાધ કરી શકતા નથી.
પુષ્ટિમાર્ગીય શરણાગતિ સ્વીકાર્યા પછી જીવને કોઈપણ બીજુ કર્મ કરવાનું રહેતું નથી અને કરે તો તેને તે કર્મ ફલરૂપ ન થતા બાધક થાય છે. પુષ્ટિમાર્ગીય જીવને તો ફકત પોતાના સ્વ પ્રભુની આજ્ઞાનું પાલન એ જ મુખ્ય કર્મ બતાવ્યું છે. જેમાં અન્યાશ્રય અને અસમર્પિત વસ્તુનો ત્યાગ તે મુખ્ય કર્મનું પાલન કરવાનું બતાવ્યું છે. એક ભગવદ ભાવથી સેવા તે જ પુષ્ટિમાર્ગીય જીવનું મુખ્ય કર્તવ્ય થાય છે. સ્વ પ્રભુએ જે આશા કરી છે. એવો સિધ્ધાંત દાદાજી (વલભાચાર્યજીએ) એ બતાવ્યો છે. એમ શ્રીગોપાલલાલજી કહી રહ્યા છે તે સર્વ શ્રોતાઓ સાંભળીને ખુબ જ પ્રસન્ન થયા.
તે સમયે કાનદાસની સાથે ગ્વાલીયરનો રહેવાસી રઘુનાથજીનો સેવક પાણકોરાનો તાકો લઈને આવ્યો અને શ્રી ગોપાલલાલજી આગળ શ્રીફળ તથા પાણકોરાનો તાકો ધરીને દંડવત કરીને બેઠો. તે સમયે શ્રી ગોપાલલાલજીનું ધ્યાન બીજી તરફ હતું અને અધિકારી આવીને તે ઘરેલી વસ્તુ લઈ ગયો. ત્યારે પેલા સેવકના મનમાં ખેદ થયો કે મારી વસ્તુનો અંગીકાર શ્રીજી એ કર્યો નહિ. એક મુર્હુત પછી કથા સમાપ્તિ થઈ પછી શ્રીજીએ અધિકારીને કહ્યું જે એ પાણકોરાનો તાકો આવ્યો છે. તે લાવો તેના અંગ વસ્ત્ર કરાવવા છે. તે પેલા વૈષ્ણવે સાંભળ્યું અને મનમાં વિચાર્યુ જે આ તો મુનેશ્વર છે. એમ જાણીને કાનદાસને જે મારૂં અભાગ્ય જે મને ખેદ થયો. અને શ્રીજી એ મારો સંદેહ નિવૃત કર્યો.
જે પાણકોરા નો તાકો કઢાવ્યો ત્યારે કાનદાસે હાથ જોડીને શ્રીજી ને વિનંતી કરીને પ્રશ્ન કર્યો જે મહારાજ ! કોઈ વૈષ્ણવે શ્રી ઠાકોરજીની આગળ વસ્તુ રાખી હોય ત્યારે તેનો અંગીકાર કેવી રીતે થાય છે ? ત્યારે શ્રીજી હસીને બોલ્યા જે સેવકના મનમાં ઉપજે જે આ શુદ્ધ સામગ્રી મારા શ્રી ઠાકોરજી લાયક છે ત્યારથી તેનો અંગીકાર થયો છે એમ જાણવું. અને તે વૈષ્ણવના હાથનો સ્પર્શ થયો ત્યારે અંગીકાર થાય છે. અને શ્રી ઠાકોરજી પાસે રાખે ત્યારે અંગીકરા થાય છે. કારણકે દાદાજી ની કાનીથી જે પુષ્ટિમાર્ગમાં પ્રેમ લક્ષણાના અનુભવી ભગવદી તેના કહેવાથી (એટલી તેની કાનીથી) પોતે અંગીકાર કરે છે. તેમાં શું આશ્વર્ય! પણ મર્યાદા માર્ગમાં તો જીવના ઘણા ભાવથી એટલે શ્રમથી પોતે અંગીકાર કરે છે. એટલો તફાવત પુષ્ટિમાર્ગમાં અને મર્યાદા માર્ગમાં અંગીકારનો છે. તેમ બતાવ્યું, પણ વૈષ્ણવે કેમ રહેવું જોઈએ? પુષ્ટિમાર્ગની રીતી અનુસાર વૈષ્ણવ રહે તો પ્રભુ અંગીકાર કરે તેમ ઉપરોકત પ્રસંગમાં સમજાવવામાં આવ્યું છે.
હવે પુષ્ટિમાર્ગીય આચાર વિચારની સમજણ ન હોય શૌચ વિચાર એટલે છુત અછૂતનો પ્રસાદી સામગ્રીનો જો વિવેક અને તેનું જ્ઞાન ન હોય તો સેવા સમર્પણનું જ્ઞાન ન હોય સમજણ વિના સખડી અન્નસખડીનો વિચાર કયાંથી રહે. અને શૌચ વિચાર વિના સેવા કેમ થઈ શકે. વિચાર વિના પોતાના સ્વ પ્રભુ પ્રત્યે પતિવ્રતાનો ભાવ કયાંથી રહે. પતિવ્રતાનો તો ઉતમ ભાવ છે. કારણ કે પતિવ્રતા સ્ત્રી પોતાના પુરૂષ સિવાય બ્રહ્માંડમાં કોઈ પુરૂષને જોતી નથી એવો ભાવ શ્રી ઠાકોરજી પ્રત્યેનો પતિવ્રતાનો હોવો જોઈએ. પોતાના પતિ એવા શ્રી ઠાકોરજી સિવાય બીજામાં કયારેય મન લલચાય નહિ તેવો ઉત્તમ ભાવ બતાવ્યો છે. તે સાંભળીને કાનદાસના રૂવાડા ખડા થઈ ગયાં અને બોલ્યા જે ધન્ય મહારાજ ! આપનું નિશ્ચે દાન છે. તે સાંભળી વૈષ્ણવ ખુબ જ પ્રસન્ન થયા ઉપરોકત વચનામૃતમાં સર્વ કર્મનું ઉલ્લંઘન કરીને એક પતિવ્રતાના ભાવથી સ્વપ્રભુની સેવા અને સ્વધર્મનું પાલન અને પોતાના સ્વ પ્રભુની આજ્ઞાનું પાલન કરનાર ને કોઈ લૌકિક વૈદિક કર્મ બાધ કરી શકતું નથી.
પુષ્ટિમાર્ગીય શરણાગતિ સ્વીકાર્યા પછી કોઈપણ અન્ય કર્મ કરવાનું રહેતું નથી તેમ સમજાવવામાં આવ્યું છે. ઉપરોકત વચનામૃતનું વૈષ્ણવો મનન કરશે તો અનેક પ્રકારના અન્યાશ્રય દોષથી બચી જશે આચાર વિચારનું જ્ઞાન પુષ્ટિમાર્ગીય રીતી અનુસાર થશે. પુષ્ટિમાર્ગમાં શૌચ વિચારની સમજણ અવશ્ય હોવી જોઈએ. તો જ ભગવદ સેવા બની શકે છે. આજે ઘણા સેવા કરે છે પણ તેને સેવા પ્રકારનું મુખ્ય જ્ઞાન નથી. તે દેખાદેખી એ કરે છે પણ અનુભવી ભગવદી દ્વારા જાણીને કરે તો માર્ગનું ફલ અવશ્ય પ્રાપ્ત થાય તેમ ઉપરના વચનામૃતમાં સ્પષ્ટ સમજાવ્યું છે.
છઠ્ઠા વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી બ્રાહ્મણ ની વાત ઉપર થી વૈષ્ણવના શુદ્ધ લક્ષણ સમજાવી રહયા છે. જીવ ધારે પોતાના મનમાં કાંઈ ત્યારે ભગવદ ઈચ્છાએ બને છે કાંઈ, જીવની કલ્પના અનુસાર કંઈ થતું નથી. જીવની ઈચ્છાથી દુઃખની નિવૃતી થતી નથી. તેમ જીવ જેટલુ સુખ ઈચ્છે તેટલું પ્રાપ્ત થતું નથી. તે તો બધુ ભગવદ ઈચ્છાએ જે બનવાનું હોય તે જ બને છે. માટે જીવે તો ભગવદ ઈચ્છાને આધીન રહીને ભગવદ ભજન જ કરવું અને મિથ્યા દેહ માટે કાંઈ પ્રભુ પાસે પ્રાર્થના અથવા માગણી કરવી નહિ.
પુષ્ટિમાર્ગની ભાવના પ્રમાણે ભક્તિ કરવી અને ભગવદ ચરણારવિંદની પ્રાપ્તિની ઈચ્છા રાખવી. કારણ કે મનુષ્ય દેહનું એ જ ફળ છે. ખરો અનન્ય વૈષ્ણવ ત્રણ લોકના વૈભવની પણ ઈચ્છા રાખતો નથી અને ભગવદ ચરણારવિંદનો આશ્રય છોડતો નથી. કારણ કે જેણે પોતાની સર્વ ઈચ્છાઓ ને વશ કરીને એક ભગવદ ચરણારવિંદનું જ ધ્યાન કરે છે તે નાશવાન મિથ્યા દેહનો મોહ જરાય રાખતો નથી. અને ભગવદ ભક્તિ રૂપી સત્ય કર્મને જ કરવાની રાખે છે. મનુષ્ય દેહ પાછો કયારે મળે? તેમ વિચારીને ભગવત ભક્તિ રૂપી ફલને છોડતો નથી. સંસારના સુખ દુઃખની નિવૃતિ કે પ્રાપ્તિ માટે કયારેય પણ પ્રભુ પાસે તે પ્રાર્થના કે કોઈ માંગણી કરતો નથી એ પુષ્ટિમાર્ગનો ખાસ સિદ્ધાંત ઉપરના વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી સમજાવી રહ્યા છે.
જય ગોપાલ 🙏🏻