પ્રભુ શ્રી ગોપાલલાલજી બીજા વચનામૃતમાં પુષ્ટિમાર્ગના સુંદર સિધ્ધાંતને ટુંકમાં સમજાવી રહ્યાં છે. કાનદાસ કાયસ્થ જે કચ્છ માંડવીના રહીશ હતા. તે શ્રીગોપાલલાલજીને પ્રશ્ન કરીને પુછે છે કે શ્રીઠાકોરજી (આપ) ક્યાં સાધાનથી જલ્દી પ્રસન્ન થાવ છો. આવા પ્રશ્ન કરનાર ભક્ત ઉપર પ્રભુજી પણ ખુબજ પ્રસન્ન થતા અને અસિમ કૃપા કરીને તે પ્રશ્નના ખુલાસા કરતા અને માર્ગનું રહસ્ય સમજાવતા.
હવે પ્રશ્નના જવાબમાં સમજાવી રહયા છે કે પુષ્ટિસ્થ પ્રભુ કોઈ પણ પ્રકારના સાધનથી પ્રસન્ન થતા નથી. કારણકે પુષ્ટિમાર્ગ નિઃસાધનતાનો માર્ગ છે. નિઃસાધન જીવોનો જે અંગીકાર કરે છે. પ્રભુ કોઈ દ્રવ્યથી કે જ્ઞાનથી કે યોગથી કે યજ્ઞાદિક સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુ તો શુધ્ધ ભાવથી પ્રસન્ન થાય છે. મનુષ્યનું મન પ્રભુ પ્રાપ્તિ કરવાના શુધ્ધ ભાવવાળું હોવું જોઈએ. તેમાં મુખ્ય વિશ્વાસ અનન્ય ભાવ અને ભકિતમાર્ગીય દીનતા જો હોય તો પ્રભુ પ્રસન્ન થાય છે. ગીતામાં અર્જુનને ભગવાન અનન્ય ભક્તિનું જ લક્ષણ સમજાવી રહ્યા છે.
હે અર્જુન હું કોઈ જપ, તપ, વૃત કે યોગ, યજ્ઞાદિકથી કે વેદ જાણવાથી પ્રસન્ન થતો નથીં હું તો માત્ર એક અનન્ય ભક્તિ યોગથી જ પ્રસન્ન થાવ છું. અનન્ય ભક્તિ સિવાય મને પ્રસન્ન કરવાનું બીજું કોઈપણ સાધન નથી. એક મનને મારામાં જોડી દેવાથી જ મારી પ્રાપ્તિ થાય છે પણ જો મનુષ્ય નું મન સંસાર શક્તિમાં જોડાયેલું હોય તો તેવો મનુષ્ય સંસારરૂપી કેદખાનમાં પડે છે. પુષ્ટિમાર્ગમાં તો સર્વોપરી સાધન એક ભગવદ સેવા જ છે અને તે વિશ્વાસપુર્વક કરવી જોઇએ. જો સેવામાં વિશ્વાસ ન હોય તો કરેલી સેવા ફલિત થતી નથી. માટે મુખ્ય વિશ્વાસ જ જોયે. અવિશ્વાસ ભક્તિ માર્ગમાં મુખ્ય બાધક છે. તેમ શ્રીમદ વલ્લભાચાર્યજીએ પોડષ ગ્રંથમાં બતાવ્યું છે.
તેનું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. રાવણે બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધ્યા અને રાવણને બ્રહ્માસ્ત્રમાં અવિશ્વાસ આવવાથી તે છુટી ગયા. અને વિશ્વાસ માટે ચાતક (બાપૈયો) પક્ષીનું દ્રષ્ટાંત આપ્યું છે કે ચાતક પક્ષીને સ્વાતી નક્ષત્રના મેઘમાં વિશ્વાસ છે તો સ્વાતી નક્ષત્ર માં વરસવું જ પડે છે. અને તેનું જલ ચાતક પક્ષી પીવે છે એ સિવાય બીજું જલ ચાતક પક્ષી પીતું નથી, તે પક્ષી જાતને પણ એવો દ્રઢ વિશ્વાસ છે.
ભક્તિ માર્ગમાં અથવા શરણાગતિમાં અવિશ્વાસ કરવો નહિ. કારણકે અવિશ્વાસ બીજા ઘણા નુકસાન કરનારા સાધનો કરતા વધારે નુકસાનકારક છે, તેથી વિશ્વાસ તો સર્વે કાર્યને સિદ્ધ કરનારો છે. વળી ભકિત માર્ગમાં ભક્તોના બધા દુઃખને હરનારા પ્રભુ જ છે. તેથી બધા દુઃખને તે જ હરશે અને ભક્તનું ભરણ-પોષણ પણ તે જ કરશે. એ રીતે વિશ્વાસ રાખી ભકિત માર્ગની મર્યાદા પ્રમાણે જે રહે છે તેનું સર્વ ઈચ્છિત શ્રીઠાકોરજી આપે છે. વળી વૈષ્ણવે સ્વઉઘમ (ધંધો રોજગાર) કરવો તે ભગવદ સેવા નિમિતે જ તેમ વૈષ્ણવની સેવા ટેલ નિમિતે જ કરવો પણ મનમાં પ્રભુનો આશ્રય છોડી એવો વિચાર ન કરવો કે મારો વ્યવહાર કેમ ચાલશે ! તે જ મોટો અન્યાશ્રય છે. તેની ઉપર સુંદર દ્રષ્ટાંત કઠીયારની સ્ત્રીનું આપ્યું છે કઠીયારાની સ્ત્રીને પણ પોતાના પતિમાં વિશ્વાસ છે કે મારો સ્વામી મારૂ ભરણ પોષણ કરશે તો શ્રીઠાકોરજી શું અસમર્થ છે કે ભરણ પોષણ પોતાના સેવકનું નહી કરે.
દયારામભાઈ એ ભકિત પોષણમાં કહ્યું છે કે "વસન ભોજન તણી ચિંતા કરી વૈષ્ણવે ના થવું ઉદાસ, વિશ્વભર પુરે વિશ્વને તે કેમ ભુલે નિજ દાસ" સમસ્થ વિશ્વનું જે પોષણ કરી રહ્યા છે તે નિજભકતનું પોષણ કરવાનું કેમ ભુલે માટે કલિકાલમાં તો એક વિશ્વાસ ભકિત મોટી કીધી બાકીના બીજા કોઈ સાધનથી પ્રભુ પ્રસન્ન થતા નથી. ઉપરોક્ત વચનામૃત બીજામાં બધા સાધનોનો નિષેધ કરીને એક ભગવદ સેવા વિશ્વાસપુર્વક કરવી અને અનન્યતા અને દીનતાએ ત્રણ સાધનથી, પ્રભુ જલ્દી પ્રસન્ન થાય છે. અને સ્વઉધમ ભગવદ સેવા તથા વૈષ્ણવની સેવા ટેલ નિમિતે કરવો એવો સ્પષ્ટ ખુલાસો કરેલ છે.
તો આ વચનામૃત વૈષ્ણવે ખાસ મનન કરવા જેવું છે. જેનાથી મનની અનેક ભ્રમણાઓ દુર થઈને પ્રભુમાં એક વિશ્વાસ અને અનન્યતા પ્રાપ્ત થાય છે. પુષ્ટિમાર્ગના સિધ્ધાંતનું સ્પષ્ટ હાર્દ આ વચનામૃતમાં આપવામાં આવ્યું છે. તે તેના ખાસ વાંચન મનનથી સમજાયા વગર નહિ રહે.
જય ગોપાલ 🙏🏻