બારમું વચનામૃત કાનદાસના વાર્તા પ્રસંગમાં પણ મળી આવે છે. ઉપરના પ્રસંગમાં ઘણી જ સિદ્ધાંતિક વાત સમજાય છે. વાર્તા પ્રસંગમાં હંમેશા સિદ્ધાંત નું પ્રતિપાદન થતું હોય છે. અને સિદ્ધાંત ને સમજવામાં વાર્તા પ્રસંગ ખુબ જ ઉપયોગી હોય છે. કાનદાસ કાયસ્થ શ્રી ગોપાલલાલજીના અનન્ય સેવક અષ્ટ સખા મોહેંના છે. મહાન કવિ છે. શ્રી ગોપાલલાલના ઘણા પદો ઘોળ વઘાઈ વિગેરેની રચના કરી છે. દૈવી જીવનો સ્વભાવ ઉદાર હોય છે. અને પુષ્ટિમાર્ગીય પ્રેમલક્ષણા ભકિતનો સિદ્ધાંત એવો છે કે, તેમાં હંમેશા દરેક કાર્યમાં દરેક વસ્તુમાં પોતાનો પ્રેમી જ યાદ આવે. અને પ્રેમી જ નજર સમક્ષ રહે.
તેનું નામ જ પ્રેમલક્ષણા. સર્વ સમર્પણ વાળી અનન્ય સ્નેહાત્મિકા પુષ્ટિભકિત, તે સિદ્ધાંત અનુસાર કાનદાસે મકાન બનાવ્યું. ત્યારે પ્રભુને હું પધરાવીશ ને પ્રભુને અંગીકાર કરાવીશ. તે ન થયું સાચા પ્રેમીના હૃદયમાં તે જ ભાવનું મંથન રહેતું હોય છે. કે જયાં સુધી પોતાની વસ્તુનો અંગીકાર પોતાના પ્રાણ પ્રિયને ન થાય ત્યાં સુધી તેના ચિતને શાંતી રહેતી નથી. તેના હૃદયમાં અસહ્ય વિરહ વ્યથા હોય છે.
તેમ કાનદાસનું મન પણ વારંવાર પોતાના પ્રાણવલ્લભ પ્રભુજીએ આ મકાન નેત્રથી પણ અંગીકાર ન કર્યું તે બાબતનું વારંવાર દુ:ખ થતું. સેવામાં અને પ્રભુના સ્મરણ ધ્યાનમાં પણ એ વસ્તુ નજર સમક્ષ આવીને ઉભી રહેતી. દૈવી જીવને કોઈ સંકલ્પ તો હોય નહિ પણ આ સંકલ્પ તો પ્રભુ સબંધી હતો. તેથી કાનદાસની આ વિરહ વ્યથા નિવારવાને માટે પ્રભુએ કૃપા વિચારીને દીન દયાળ ભકતના રક્ષક છે. બિરદધારી છે. તે ભક્તના દુઃખને કેમ સહન કરી શકે? પ્રભુ કર્તુ, અકર્તુ અને અન્યથા કર્તુ સમર્થ છે.
કાનદાસને વેપારમાં નુકસાન જવાથી પોતે બનાવેલું મકાન વેચી નાખીને દરેકનું દેવ ભરપાઈ કરી આપ્યું. તે મકાન એક ધનવાન બ્રાહ્મણે ખરીદ કર્યું હતું. અને તે બ્રાહ્મણ તે મકાનમાં રહેતો હતો. કાનદાસ જયારે બજારમાં નિકળે ત્યારે તે મકાનને જોઈને પોતાન મનમાં ખેદ પામે કે મારા પ્રભુજીને આ મકાનમાં ન પઘરાવી શક્યો. પણ પ્રભુજીએ નેત્રથી પણ એ અંગીકાર ન કર્યું તેવું વારંવાર મનમાં થાય. તે કાનદાસના મનનું દુ:ખ શ્રી ઠાકોરજીથી સહન થયું નહિ. તેથી તે મકાનમાં રહેતા બ્રાહ્મણની સ્ત્રીને શ્રી ગોપાલલાલજીએ રાત્રે સ્વપ્ન દ્વારા કહ્યું કે તમે તમારૂ દ્રવ્ય લઈને આ મકાન કાનદાસને પાછું આપી દયો.
તે બ્રાહ્મણ દ્વારકાનાથજી નો સેવક હતો. તે તો સાધારણ સેવક હતો. સ્ત્રીએ સ્વપ્નામાંથી જાગીને જોયું તો કંઈ ન હતું અને મનમાં વિચારવા લાગી જે મને આ સ્વપ્ન માં શું થાય છે. ફરીને તે તેમજ થયું અને સ્વપ્નામાં એવો ભાસ થયો કે તમો આ ઘર કાનદાસને પાછું આપી ધ્યો. ફરીને જાગીને મનમાં વિચાર કરવા લાગી અને એમ કરતા સુઈ ગઈ. ત્યારે શ્રી ગોપાલલાલજીએ તે બ્રાહ્મણી ઉપર મહાન કૃપા વિચારી સાક્ષાત કોટિ કંદર્પ લાવણ્ય સ્વરૂપે પોતે દર્શન આપ્યું. શ્રી ગોપાલલાલજીના દર્શન પોતાને સ્વપ્નામાં થયા તે વાત સવારે ઉઠીને પોતાના પતિને તથા આડોશી પાડોશીને કહી ત્યારે સર્વે પાડોશીએ કહયું કે, હા, એ ઘર એનું જ છે આ વાત સાંભળીને પેલો બ્રાહ્મણ ખુબ જ પોતાની સ્ત્રી ઉપર ખીજાણો એને ગાળો દેવા લાગ્યો. રાંડ શાને જખ મારે છે ! ત્યારે તે બાઈ ચુપ થઈ ગઈ. પણ ચમત્કાર વિના નમસ્કાર ન થાય. તે જ રાત્રે બ્રાહ્મણને ખુબ જ માર પડયો. બ્રાહમણ બુમ પાડવા લાગ્યો તમે મને શા માટે મારો છો? એક તરફ આવીને જોયું તો બધા છોકરા પણ રોવે છે.
બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે એ કેમ રોવે છે, એતો સારૂ નહિ જે મને સ્ત્રીએ કહયું તે મેં માન્યું નહિ તે સાચું છે. આ ઘરમાં શ્રી ગોપાલલાલજીને બિરાજવાની ઈચ્છા છે. મને આવો ભય તો બીજુ કોઈ કરી શકે નહિ. કારણકે હું તો મહાપ્રભુજીના આશરે છું અને શ્રી દ્વારકાનાથજી નું બ્રહ્મસબંધ છે. જેથી મને બીજું કોઈ અતિ ભય કરી શકે એવું સામર્થ્ય બીજા કોઈનું નથી. શ્રી મહાપ્રભુજીના આશ્રયથી તો યમ પણ ભય પામીને નાસી જાય છે. તો બીજાનું શું ગજુ પણ મેં તો પ્રભુની આજ્ઞા ન માની માટે મને આવો ભય ઉપજયો. જે શ્રી ગોપાલલાલજીને બિરાજવાની ઈચ્છા છે. જેથી કાનદાસને આ ઘર પાછું આપી દઉં વળી વૈષ્ણવનું મેં રાખ્યું છે કદાચ આ દેહ પડી જાય તો વૈષ્ણવના અપરાધમાંથી છુટી ન શકાય માટે સવારમાં ઉઠીને કાનદાસના ઘરે જઈને કહ્યું કે તમે તમારા ઘરમાં શ્રી ગોપાલલાલજીને પધરાવી સેવા કરો એવી આજ્ઞા મને થઈ છે. જે બિના બની હતી તે સર્વે કહી અને બ્રાહ્મણને તેનું બધું ઘન ચુકવીને તે ઘર પાછું કાનદાસે લીધું અને બન્ને ખુબ જ આનંદ પામ્યા.
તેરમાં વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી દશમ સ્કંધની સુબોધિનીજી ની કથા કહી રહ્યા છે. તેમાં વૃજ ભકત સબંધી પ્રસંગ જયારે આવ્યો ત્યારે વૃજ ભકતના જ્ઞાનનું અને તેના ભાવનું વર્ણન સમજાવી રહ્યા છે. વૃજ ભક્તો ને ભક્તિ માર્ગીય સાતમી ભૂમિકા સુધીનું જ્ઞાન થઈ ગયું છે. જ્ઞાન માર્ગમાં જ્ઞાનની સાત ભુમિકા માનવામાં આવી છે. જ્ઞાનની સાત ભુમિકાનું જેને જ્ઞાન થઈ જાય છે તે બ્રહ્મજ્ઞાની બ્રહ્મરૂપ થઈ જાય છે. તેમ વૃજભક્તોને પણ ભકિત માર્ગીય જ્ઞાનની સાત ભુમિકાનું જ્ઞાન થયું છે. તેથી તે ભગવદલીલાને સાક્ષાત થઈ શકે છે. ભગવદ લીલામાં તેમની તાદશરૂપ ભાવના થઈ જાય છે. પુષ્ટિમાર્ગનો એ ખાસ સિદ્ધાંત છે કે ભગવદ સેવા કર્યા પછી તે સેવાનું ધ્યાન માનસીમાં તદાકાર થવું જોઈએ. તો જ સેવા ફલરૂપ થઈ ગણાય.
અમદાવાદના હરજીવનદાસે એ વાત સાંભળીને પ્રશ્ન પૂછ્યો જે શ્રી ઠાકોરજીએ અગિયાર વર્ષ લીલા કરી પછી મથુરા પધાર્યા, તો તેટલા સમયમાં શું શું લીલા કરી ? તેમ પૂછયું ત્યારે શ્રીજી એ તે પ્રશ્નનો ઉતર આપ્યો કે, વૃજની લીલામાં અનેક કાર્ય કર્યા. જયારે શ્રી ઠાકોરજી વનમાં ગૌ ચારવા પધારતા ત્યારે વૃજવાસી લોક પોતાના ઘરકામનો ત્યાગ કરીને એકાંતમાં સર્વ મળીને ભગવદ લીલાનું ધ્યાન કરતાં અને વાણીથી તેનું વર્ણન આપસ આપસમાં કરતાં.
તે સમયે બ્રહ્માદિ દેવો પણ દર્શન કરવા નિમિતે આવતા. જેને જેવી લીલાનો ભાસ થાય તેવું વર્ણન કરતા. જયારે ભગવાને વેણુંનાદ વનમાં કર્યો ત્યારે પોતાની સ્ત્રીઓ સહિત દેવતાઓ પણ તે લીલાનું દર્શન કરવા આકાશમાર્ગે આવતા અને તે વેણુના નાદથી તેમની સ્ત્રીઓ પણ ભગવદલીલામાં મોહ પામીને આશ્ચર્ય પામી અને દેહદશાનું ભાન ભુલી ગઈ.
સંધ્યા સમયે શ્રી ઠાકોરજી વનમાંથી ગાયુ ચારીને પાછા પધારતા ત્યારે સર્વ ભકતોને દર્શન દેતા અને પ્રેમલક્ષણા ભક્તિનું દાન કરતા. સર્વ કોઈ દર્શન કરીને આખા દિવસના વિરહ તાપને શમાવતા. દર્શન વિના એક ક્ષણ પણ સો યુગ જેવી લાગતી એવો ભાવ વૃજ ભકતોનો હતો. તેમાં અગિયાર વર્ષની લીલાનું કાંઈ પ્રમાણ નથી, પણ રાસ પ્રકરણમાં એમ લખ્યુ છે. પણ આપ વૃજમાં સદા બિરાજે છે પણ વૃજ ભકતોને સો વર્ષનો અંતરાય હોય તેમ લાગે માટે વિરહાત્મક પુરૂપોત્તમ સર્વના હૃદયમાં બિરાજે છે.
છ માસની બ્રહ્મરાત્રી કરીને રાસનું સુખ આપ્યું. રાત્રી પાછલી બે ઘડી રહી ત્યારે ભગવાને ગોપીજનોને ઘરે જવાની આજ્ઞા કરી પણ ગોપીજનો તે રાસના આનંદને છોડીને ઘેર જવા ઈચ્છતી ન હતી, છતાં ભગવદ આશા થતાં વિરહાત્મક પુરૂષોત્તમ તેના હૃદયમાં બિરાજીને તેમને તે આનંદનું દાન કરતા.
વૃજ ભકતો પોતાના ઘરકાર્યમાંથી નિવૃત્ત થઈને તે લીલાનું દર્શન વર્ણન આપસ આપસમાં કરતા અને તેનું ધ્યાન કરતા, તેથી તે લીલામાં તેમની તદાકાર ભાવના થતાં તે લીલાનું સાક્ષાત દર્શન વૃજ ભકતોને થતુ હતું. તે જ સિદ્ધાંત અનુસાર પુષ્ટિમાર્ગમાં ખાસ સેવા અવસરમાં ભગવદ લીલા ચરિત્રનું ભગવદીના સંગમાં અવગાહન કરવું તેમ ખાસ બતાવવા આવ્યું છે. આજે દીન પ્રતિ દીન ભગવદ વાર્તાનો લોપ થતો જાય છે. તેથી જીવ વધુને વધુ બહિર્મુખ બનતો જાય છે. ભગવદ વાર્તામાં ભગવદ લીલાનું શ્રવણ થતાં તેનું ચિતવન થાય છે. તેથી જીવમાં આસુરાવેશ નાશ થાય છે અને ભગવદ ભાવ દ્રઢ થાય છે.
તેવું ઉપરોકત વચનામૃતાં સમજાય છે માટે વૈષ્ણવે નિત્ય નિયમ મુજબ અવશ્ય ભગવદ વાર્તા કરવી જોઈએ. જેમ વૃજ ભકતો સર્વ મળીને કરતા તેથી તેમને ભગવદ લીલાનું દર્શન થતું તેમ વૈષ્ણવે ભગવદ લીલાનું ચિતવન અવશ્ય ભગવદ વાર્તા દ્વારા કરવું જોઈએ જેથી જીવના ત્રિવિધ પ્રકારના તાપનો નાશ થાય છે. એવું ભગવદ વાર્તાનું અગાધ મહાત્મ્ય પુષ્ટિમાર્ગમાં માનવામાં આવ્યું છે. વૃજભકતોના ભાવનો આ માર્ગ છે તે ભાવને આપણે અનુસરવાથી ભગવદ લીલાનું દર્શન તથા પ્રાપ્તિ થાય છે. માટે ભગવદ વાર્તા અવશ્ય કરવા કહ્યું છે. કલિકાલમાં મનને દ્રઢ કરવાનું ઉત્તમોત્તમ સાધન એક ભગવદ વાર્તા જ છે.
જય ગોપાલ 🙏🏻