Skip to Content

પ્રભુ શ્રી ગોપાલલાલજી નું વિશમું વચનામૃત

24 October 2025 by
Bansi Joshi
| No comments yet
વિશ માં વચામૃતમાં બે વાત સ્પષ્ટ સમજાય છે. એક તો સંગ કર્યા પછી સત્ય માનવાથી કલ્યાણ છે. તે પ્રસંગને સિદ્ધાંતિક રીતે સમજાવવા શ્રી ગોપાલલાલજીએ પોતાનું અદભુત લીલા ચરિત્ર પણ દેખાડયું. અને સાથે સાથે બહિર્મુખ નો સંગ સર્વથા ન કરવો. તેના સંગથી પોતાનું દ્રઢપણું છુટી જાય છે ભગવદ આજ્ઞાનો ભંગ કરવો તે જ નરક સમાન છે. સંગ કરીને સત્ય માને તો જ કલ્યાણ થાય છે. પ્રભુ અંતર્યામિ છે સર્વે વાત જાણે તેનાથી કોઈ વાત છુપી રહેતી નથી. તે પણ કાનદાસને સ્પષ્ટ સમજાય ગયું.


શ્રી ગોપાલલાલજીના અનન્ય સેવક કાનદાસના મનમાં, સંગથી કલ્યાણ ? કે સત્ય માનવાથી કલ્યાણ? તેવો સંદેહ થયો. ત્યારે શ્રીજી તો દયાલુ છે અંતર્યામિ છે તેથી કાનદાસના મનમાં જે સંશય થયો તે આપ જાણી ગયા. કે કાનદાસના મનમાં આવો સંકલ્પ થયો છે. પણ તેના મનમાં એમ કેમ ન આવ્યું કે, પુર્વના શુક્રિત ને લીધે દેવી જીવને સત્ય ભક્તિની પ્રાપ્તિ થાય છે. માટે સંગથી કલ્યાણ નથી પણ સંગ કર્યા પછી સત્ય માનવાથી કલ્યાણ છે. તે વાત સમજાવવા માટે આપશ્રીએ એક કોયડો રચ્યો.


શ્રી ગોપાલલાલજીના વહુજી સત્યભામાજી એ એક નાયણ જાતની બાઈને ખવાસણ તરીકે રાખી હતી. અને વહુજીનું ખવાસીપણું કરતી હતી. તે બહિર્મુખ હતી એટલે તે વૈષ્ણવ ન થઈ હતી. (માળ બંધાવી ન હતી) તેથી શ્રી ઠાકોરજી તેનાથી નારાજ હતા અને તેને પોતાની બેઠકમાં દર્શન કરવા માટે આવવા દેતા નહિ. તે ખવાસણે તે વાત વહુજીના આગળ જઈને કહી. જે, મને શ્રી ગુંસાઈજી બેઠકમાં આવવા દેતા નથી. તેમ સાંભળીને વહુજીએ કાનજીને બોલાવીને કહ્યું અરે ! તારા ઠાકોરજી અમારી ખવાસણને દર્શન કેમ દેતા નથી.


જે તું વિનંતી કરીને પૂછી જોજે, પણ અમારું નામ ન લેતો ત્યારે કાનદાસે કહ્યું જે ભલે શ્રી ગોપાલલાલજી જયારે ભોજન કરીને પોઢવા પધાર્યા ત્યારે કાનદાસ ચરણ સેવા કરવા ગયો. ત્યારે વિનંતી કરીને પુછ્યું જે રાજ ? હવેલીમાં એક બાઈ બેઠી છે તે તો રોજ મારી આગળ રોવે છે અને કહે છે, કે શ્રીજી મને બેઠકમાં આવવા દેતા નથી તો મારો શું અપરાધ છે.


ત્યારે શ્રીજીએ હસીને કહ્યું કે અરે ! તું એ વાતમાં કેમ લાગ્યો છે ? જો તેને બેઠકમાં આવવા દેશું તો તે ભીતર પણ જશે અને મને દુઃખ દેશે. કારણકે તે તો વૈષ્ણવ નથી બહિર્મુખ છે તેવી વાત સાંભળીને કાનદાસના મનમાં સંગથી કલ્યાણ થાય એમ જે સંદેહ હતો તે નાશ થયો અને સત્ય માનવાથી જ સદગતિ છે. એમ સમજીને કાનદાસ ચુપ થઈ રહ્યા.


ત્યારે શ્રીજીએ કહ્યું, જે તને તેણે તો કહ્યું નથી. પણ તને ભીતર થી કહ્યું છે, તે વાત સાંભળી કાનદાસ સાવ મુંગા થઈ ગયા. ત્યારે શ્રીજી એ કહ્યું જો તું એમ કહેજે, જે મને તો ના કહી છે.પછી વહુજી એ કાનદાસને બોલાવીને પુછ્યું, ત્યારે કાનદાસે કહ્યું જે મારાથી શ્રી ઠાકોરજીને પુછયું જાય તેમ નથી. ત્યારે વહુજીએ કહ્યું, તને ખીજયા લાગે છે ? અને તું તેમને કહીશ નહિ. તેમ કહ્યું લાગે છે.ત્યારે કાનજીએ કહ્યું જે મહારાજ ? તમે મહા ચતુર છો. અને તે તો ચતુર શીરોમણી છે. આપનો આ કોયડો મારાથી સમજી શકાય તેમ નથી.


અરે ! કાનજી તે તો દેવી જીવ નહિ હોય, તેમ કહ્યું. જે બહિર્મુખના સંગથી આપણું દ્રઢપણું છુટી જાય માટે તેને દુર કરો એમ કહ્યું છે ત્યારે તે ખવાસણને રજા આપી દીધી. અને કાનજીને કહયું જે ભગવદ આજ્ઞાનો ભંગ કરે તેનું ઉલ્લંઘન કરે તેવી સમાન બીજુ એકેય નરક નથી.


ઉપરોકત વચનામૃતમાં ખાસ મહત્વની વાત એ સમજવાની છે કે માત્ર સંગ કરવાથી કલ્યાણ નથી. સંગ કર્યા પછી સત્ય માને અને સત્ય સમજાય તોજ કલ્યાણ થાય. કારણકે વહુજીની પાસે જે ખવાસણ રહેતી હતી, તેથી થોડું તેનું કલ્યાણ થઈ જાય. પણ જો તેને સમજાય કે, આ તો સાક્ષાત્ત પુરણ પુરૂષોત્તમ છે તેની મને સેવા ટહેલ મળી છે. એમ જો સમજીને કરે અને હું તેને શરણે જાવ તો મારૂ કલ્યાણ થઈ જશે. એવું તો તે ખવાસણના મનમાં હતું નહિ. કારણકે તે દેવી જીવ પુર્વનો હતો નહિ. આથી એ પણ નકકી થયું કે પુર્વનો દેવી જીવ ખાતાનો હોય તો તેને સત્ય ભક્તિની પ્રાપ્તી થાય છે.


સત્સંગ શબ્દમાં જ પ્રથમ સત્ય અને પછી સંગ એમ છે. સંગ કર્યા પેલા જ સત્ય કરીને માનવાની તૈયારી હોય તો જ સંગનું ફળ મળે. દુધને દુધ જાણવાથી કે, દુધથી નાહવાથી શરીરમાં પુષ્ટિ કે શકિત આવતી નથી. પણ દુધને તેના સત્ય સ્વરૂપમાં સમજીને તેનો ઉપયોગ યથાર્થ કરવામાં આવે તો તે શકિત આપે છે. તેમ સંગ કર્યા પછી જીવને એટલું મનમાં જરૂર થવું જોઈએ કે, મેં કોનો સંગ કર્યો છે ? શા માટે કર્યો છે ?  અને તેના સંગમાં રહીને મારૂ જરૂર કલ્યાણ અને સદગતિ થશે. તેવું સત્ય અને દ્રઢ માને તો સંગથી કલ્યાણ થાય. બાકી તો હાલતા જ્યાં બહિર્મુખનો સંગ કે, બહિર્મુખતા વિચારો મનમાં ઉદ્દભવે ત્યાં આસુરી બુદ્ધિ નો પ્રવેશ થાય.


આસુરી બુદ્ધિ ને ખવાસણ તરીકે આપણે રાખી હોય ત્યાં શ્રી ઠાકોરજી તેને પોતાના નામ સ્મરણ રૂપી બેઠકમાં કયાંથી પ્રવેશ કરવા દે ? કે તેને સત્ય ક્યાંથી સમજાય. સત્ય સમજાયા સિવાય કે સત્ય કરીને માન્યા સિવાય ભગવદ આજ્ઞાનું ઉલંઘન તે જ નરક બતાવ્યું. ભગવદ આજ્ઞાનું ઉલંધન જે જીવ કરે તે તો અસદર આચરણમાં પ્રવૃતિવાળો હોય તેનું કલ્યાણ કે સદગતિ ન થાય. તે જ તેને માટે નરક છે. અને ભગવદ આજ્ઞાનું પાલન તે જ તેનું સત્ય અને સદાચરણ તેનાથી જ તેનું કલ્યાણ અને સદગતિ થાય છે. સંગ થાય પણ જયારે જીવમાંથી અહંપદ જાય ત્યારે સત્ય સમજાય.


"પારસમણીના સ્પર્શથી કંચન થઈ તલવાર, અહંદપને ધારતા, રહ્યા મારધાર આકાર" પારસમણીના સ્પર્શથી લોઢાની તલવાર સોનાની બની. પણ તલવારપણું હતું ત્યાં સુધી મારવાનો ગુણ તેમાંથી ન ગયો. સત્ય સમજાણા પછી જીવમાં અહંપદ રેતુજ નથી. સંગ કરો તો સત્ય સમજવાને માટે અને સત્ય સિદ્ધાંત કાનદાસને સમજાવવા માટે પ્રભુએ કૃપા કરી તેવી કૃપા આપણા ઉપર પણ થાય, પણ જો આ વચનામૃતનો સારગ્રહણ કરીએ તો.


જય ગોપાલ 🙏🏻

in Blog
Sign in to leave a comment
પ્રભુ શ્રી ગોપાલલાલજી નું અઢારમું અને ઓગણીસમું વચનામૃત