Skip to Content

પ્રભુ શ્રી ગોપાલલાલજી નું સત્તરમું વચનામૃત

24 October 2025 by
Bansi Joshi
| No comments yet
સત્તરમું વચનામૃત ખુબજ મહત્વનું છે. અને વારંવાર વાંચવા વિચારવા જેવું છે. જેના વાંચનથી મુખ્ય સમર્પણનો ભાવ ખાસ સમજાય તેવું છે.શ્રી ગોપાલલાલજી પોતાની બેઠકમાં બિરાજી રહ્યા છે અને સર્વને સેવા પ્રકારની ચર્ચા સંભળાવી રહ્યા છે. જેમાં પુષ્ટિમાર્ગમાં બતાવેલ સેવન શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ તે પાંચ પ્રકારના લખ્યા છે. તે નિચે મુજબના છે. ધાતુ સુવર્ણરૂપકે આદિ ||૧|| પાષાણ મણીમય  ||૨|| પાદુકાજી ||૩|| છબી ચિત્ર સેવન હસ્ત લેખિત ||૪|| વસ્ત્ર સેવા ||પ|| આ પ્રમાણે પુષ્ટિમાર્ગમાં પાંચ પ્રકારના સેવન છે. બીજે ઠેકાણે વ્યાસજીએ આઠ પ્રકારના લખ્યા છે. જે બાકીના ત્રણ પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગમાં છે.

જે સેવન શ્રીજી હસ્તથી સેવ્ય કરીને પધરાવી આપે તેમાં સાક્ષાત પુર્ણ પુરૂષોતમનો આવિર્ભાવ હોય છે. તે સેવન શ્રીજીની બરાબર છે. અથવા શ્રી ઠાકોરજી તુલ્ય છે. પુષ્ટિમાર્ગમાં ગમે તે સેવન ગમે તે રીતે પધરાવીને સેવા ન કરવી તેમ ઉપરના પ્રસંગમાંથી સમજાય છે. સેવન હંમેશા પુષ્ટાવેલું હોવું જોઈએ અને તે પોતાના ઘરની મેંડ પ્રમાણે હોવું જોઈએ.


સાતે મંદિરની સેવાની મેંડ અને પ્રણાલિકા જુદી જુદી છે. તેથી જે ઘરનો સેવક હોય તેમણે તે રીતથી કરવી. અને જે ઘરનો સેવક હોય તેણે તે જ ઘરનું નામ સમર્પણ લેવું. શ્રી ઠાકોરજી તો યજ્ઞ ભોકતા છે પણ જેને સમર્પણ માળા છે તેના જ હાથનું આરોગે છે. તેનું નિત્ય કર્તવ્ય ભાવ ભાવનામાં લખ્યું છે તે પ્રમાણે સેવા કરવી. એવું સાંભળીને કાનદાસે પ્રસન્ન થઈને પ્રશ્ન પૂછયો. જે મહારાજ ! શ્રી ઠાકોરજીની સેવા કેવા ભાવથી કરવી અને ભાવથી આરોગાવીયે ?


ત્યારે શ્રીજી એ કહયું કે ગોલોક સમાનતો નિજ મંદિર છે. (જે વૈષ્ણવના ઘરમાં શ્રીઠાકોરજીની સેવા બિરાજે છે. તેટલો ભાગ ગોલોક સમાન સમજવો) તેમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. તેમાં પોતાના ગ્વાલ સખા જે છે તે શ્રી ઠાકોરજીની સેવા કરે છે. એવી ભાવના કરવી અને જેને સમર્પણ થયું છે તેના હાથથી પ્રભુ આરોગે છે. કારણ કે જેને એક દ્રઢભાવ છે. જે પ્રભુ મારા, પોતાના પ્રભુ સિવાય નેત્રથી બીજો પદાર્થ જોવે અને તેમાં જો ચિત લાગે તો ત્યાંથી ચિત ફેરવીને પોતાના પ્રભુમાં જોડે પોતાના પ્રભુ સિવાય બીજાનું નામ પણ રસનાથી લે અને તેમાં જો ચિત લાગે તો ત્યાંથી ચિતને હટાવી લે અને પોતાના પ્રભુમાં જોડી દે. એવી દ્રઢ ભાવનાથી જેણે પોતાની એકાદશ ઈન્દ્રીઓને સેવામાં અંગીકાર કરાવી છે. તેના અંગ અંગમાં પુરૂષોત્તમનો ભાસ થઈ રહ્યો છે તે જ સમર્પણ (ઉપરોકત ભાવના સિવાય સમર્પણનું ફલ મળતુ નથી).


કાનદાસે ફરીને કહ્યું જે મહારાજ! પણ જીવનું સામર્થ્ય શું? આપતો કરૂણા નિધાન સકલગુણ સંપન્ન છો. અને જીવતો દોષ નિધાન છે. આપની કૃપાથી અનુગ્રહ હોય. ત્યારે શ્રીજી હસ્યા અને અલકાવલી લટકાવીને કહયું. (માથાના કેશની લટ) જે તું એવી નાદાની કેમ કહે છે ? પુષ્ટિમાર્ગમાં જીવે કોઈ દિવસ નીચી ભાવના કરવી નહિ. જે હું શું કરૂ પણ દીનતા રાખીને ઉંચા પ્રકારના ભાવના રાખવી નાદાની ભાવના કરવાથી જીવ બહિર્મુખ થઈ જાય છે.


ત્યારે શ્રી ગોપાલલાલજી કાનદાસ પ્રતિ કહેવા લાગ્યા કે, જેને પોતાનો કહયો તેને કેમ છોડીએ? જે અમારો થયો અને આમારો થઈને રહ્યો તેને તો કયારેય ન છોડીએ. પણ તે સારો હોવો જોયે. તેના માટે સાધન તો ઘણાય છે. પણ તેમાં એક મુખ્ય પ્રિતિ જોયે અને વિશ્વાસ, દ્રઢતા એક આશ્રય ન છોડવો અને ઘણું કરીને અન્યાશ્રય ન કરવો અને અસમર્પિત વસ્તુ ન લેવી.


(તે ખાસ આચરણ જોયે તે આચરણ ન હોય તો સમર્પણનો કોઈ અર્થ નથી) એક દ્રઢતા થી પોતાના પ્રભુની ટેક, પણવૃત,એક ભગવદ ધર્મ,તપ, તીર્થ, વ્રત, દાન, સંયમ, એ બધુ પોતાના પ્રભુમાં જોયે. બીજી કોઈ ઈચ્છા રાખે નહી તેના ઉપર આપશ્રીએ શ્લોક કહ્યો:


વર્ણાશ્રમ ધર્મ કરતા આત્મધર્મ શ્રેષ્ઠ છે. અને આત્મધર્મ કરતા ભગવદ ધર્મ શ્રેષ્ઠ છે. વૈષ્ણવો હંમેશા ભગવદ ધર્મનું પાલન કરતા હોય છે. તે ભગવદ ધર્મ કેવો છે ? સ્વર્ગ, મૃત્યુ, પાતાલ દેવ, મનુષ્ય, યક્ષ તેના સુખથી ઈચ્છા ન રાખે તેમ જ યોગની સિદ્ધિ અને મોક્ષને પણ ન ઈચ્છે. તેણે જ ભગવદ ધર્મને જાણ્યો ગણાય અને તેવા ભગવદ ધર્મને જાણનાર ભગવદીઓ માત્ર એક શ્રી ઠાકોરજીના ચરણારવિંદ ના મહાત્મ્ય ને જ જાણે છે. તો તે બીજાની ઉપાસના કેમ કરે એવી રીતે ભગવદ ધર્મનું પાલન કરે છે, તેવા જીવને કેમ છોડે. તેમ શ્રી ગોપાલલાલજી કહી રહ્યા છે.


અને કોઈ કર્મની ગતિને લીધે મનુષ્ય અવતાર ઉત્તમ મધ્યમ યોનીમાં થાય. પણ તેને દ્રઢ આશ્રય થયો તે સમર્પણનું ફલ પ્રાપ્ત કરે છે. એક દ્રઢ વૃત-દ્રઢ આશ્રય સિવાય સમર્પણ કહેવાય ખરું? ના જ કહેવાય એક સત્ય વિશ્વાસથી જ પોતાના માર્ગમાં રહેવું તે મુખ્ય ભાવ છે. જેને સમર્પણ થયું છે તેના હાથથી શ્રી ઠાકોરજી આરોગે, ભોગ સમર્પણ અને સેવા, તેમાં એવું વિચારવું જે મારાથી કંઈ ભુલ થશે તો આરોગશે નહિ. તો ભાવપુર્વક સેવા કરવી. યથા દોહે તથા દેવે. જેવી રીતે પોતાના દેહને માટે સુખ વિચારવામાં આવે છે તેવી જ રીતે શ્રી ઠાકોરજીનું સુખ સેવામાં વિચારવું અને ઉત્તમ ભાવના રાખીને સેવા કરવી. પણ અપરાધના ભયથી સેવા છોડવી નહિ.


સેવામાં શ્રી ઠાકોરજીને ગરમ સામગ્રી ન ધરાવવી શ્રી ઠાકોરજીનો સ્વભાવ બાલક સમાન છે. તેથી ભગવદી જે સામગ્રી ભાવથી શ્રી ઠાકોરજીને ધરે છે તે દેખીને ધીરજ રાખતા નથી અને તરતજ આરોગવા લાગે છે. તો તેવો શ્રમ શ્રી ઠાકોરજીને ન કરાવવો. રાજભોગ ધરતી વખતે દરેક સામગ્રી ઠંડી થયા પછી ઘરાવવી અને રાજભોગમાં સખડી અણસખડીના થાળ જુદા જુદા ઘરવા સખડી અણસખડી એક થાળમાં ભેગી ન ધરવી. સખડી વાળા હાથે અન્નસખડીને ન અડવું તેવો વિવેક રાજભોગ માં રાખવો.


તેવું સાંભળીને સર્વે વૈષ્ણવ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા જે મહારાજ ! આપતો જગતના જીવનો ઉદ્ધાર કરવા માટે અને આપના દાસના કર્મના સંશયને મટાડવા માટે ભુતલમાં આપ પ્રગટયા છો.


પછી કાનજીભાઈ પોતાના ઉતારે આવીને ભગવદ વચનામૃતનું ધ્યાન કરે છે.જે જેના વચન તેજ શાસ્ત્ર છે. પછી બીજા શાસ્ત્રના પ્રમાણની શું જરૂર છે. પણ જીવની મુર્ખતા છે. અને અનેક જન્મના કર્મના આવરણ બહુ જ છે. તેથી ભગવદ ધર્મમાં અતંરાય પડે છે. અને વિશ્વાસ ઉપજતો નથી. શ્રીજી તો વારંવાર ભારપુર્વક કહે છે. પણ જો આશ્રય દ્રઢ ન હોય તો તેના અભાગ્ય એવો કાનદાસ સર્વને વચનામૃતનો રહસ્યમય ઉપદેશ સમજાવીને કહે છે.


ઉપરોકત વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી નીચે મુજબ ની સ્પષ્ટતા કરે છે. પુષ્ટિમાર્ગમાં સેવન પાંચ પ્રકારના છે. તેમજ જે સેવન વૈષ્ણવ ને ત્યાં બિરાજે છે તે સાક્ષાત પુરૂષોતમ રૂપ છે. તે સેવન પુષ્ટાવેલું હોવું જોઈએ. સાતે મંદિરની મેંડ પ્રણાલીકા જુદી જુદી છે. તેમાં આપણે શ્રી ગોપાલલાલજી ની સૃષ્ટિને શ્રી ગોપાલલાલજીના ઘરની મેંડ પ્રમાણે વર્તવુ જોઈએ. અને તેનાજ ઘરનું એટલે શ્રી ગોપાલલાલજીનું જ સમર્પણ હોવું જોઈએ.


જે ઘરનું સમર્પણ હોય તો જ તે ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજી તેના હાથનું જ આરોગે બીજાના ઘરનુ સમર્પણ હોય તો તેના હાથની સેવા સામગ્રી શ્રી ઠાકોરજી અંગીકાર કરે નહિ. એક દ્રઢ આશ્રય વિના સમર્પણનું ફલ મળતું નથી. સમર્પણ લીધા પછી, અન્યાશ્રય તેમજ અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જોયે. જે ન બને તો સમર્પણનું ફલ મળતું નથી. ભગવદીઓ કોઈ સુખની ઈચ્છા કરતા નથી. તે તો વૃત, તપ, દાન, તીર્થ, સંયમ એ સર્વ એક પોતાના પ્રભુના ચરણારવિંદના દ્રઢ આશ્રયમાં જ માને છે.


દ્રઢ આશ્રયવાળા જીવનો પ્રભુ અંગીકાર કરે છે. પોતાના ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજી તેનું જે મંદિર છે તે ગોલોકસમાન છે. ધન્યભાગી જીવના ઘરમાં આવું ગૌલોક હોય. ભગવદીઓ એક માત્ર ભગવદ ધર્મને જ શ્રેષ્ઠ માને છે. શ્રીજી ના વચન તે જ સત શાસ્ત્ર છે. જીવના અનેક કર્મના સંશય ને આપશ્રી વચનામૃત દ્વારા દૂર કરે છે. જીવને જયાં સુધી અનેક કર્મના આવરણ રૂપ અંતરાય દુર ન થાય ત્યાં સુધી દ્રઢ આશ્રય થાય નહિ અને દૃઢ આશ્રય થાય તો અનેક જન્મના આવરણ રૂપ અંતરાય દૂર થઈ જાય. વચનામૃત ખુબજ મનન કરવા જેવું છે.


જય ગોપાલ 🙏🏻

in Blog
Sign in to leave a comment
પ્રભુ શ્રી ગોપાલલાલજી નું સોળમું વચનામૃત