Skip to Content

પ્રભુ શ્રી ગોપાલલાલજી નું સોળમું વચનામૃત

24 October 2025 by
Bansi Joshi
| No comments yet
સોળમુ વચનામૃત શ્રી ઠાકોરજીની લીલા ચારિત્ર વાળુ છે અને તેમાં શ્રી ઠાકોરજીએ કેવું પ્રતાપ બળ દેખાડયુ. તેમજ માર્ગના સિદ્ધાંત નું ગુઢ રહસ્ય બતાવવામાં આવ્યું છે. કાનદાસને સંકટ આવ્યુ તો તેમણે ધીરજ રાખીને પ્રભુનો આશ્રય છોડયો નહી અને મનમાં એમ માન્યુ કે મારો કોઈ અપરાધ થયો હશે જેથી મને સેવા સ્મરણ માં વિઘ્ન આવ્યુ. તો તે અપરાધમાંથી છોડવા પ્રભુએ મારા ઉપર કૃપા વિચારી છે અને તેમાં પણ તેમણે ભગવદ ઈચ્છામાની પણ પ્રભુને તે સંકટમાંથી છોડાવવા માટે પ્રાર્થના ન કરી.

એ પુષ્ટિમાર્ગનો ખાસ સિદ્ધાંત છે. અનન્ય ભગવદીઓ કોઈપણ સંકટના સમયમાં પ્રભુ પાસે કાંઈ પણ માંગતા નથી. તેઓ તો તેમાં પણ ભગવદ અનુગ્રહ કૃપાને જ કારણરૂપ માને છે. તે આ કાનદાસના પ્રસંગમાં સ્પષ્ટ સમજાય છે.


કાનદાસ જ્ઞાતે કાયસ્થ વૈષ્ણવ હતા અને તે કચ્છમાં માંડવી ગામે રહેતા હતા. તેઓ શ્રી ગોપાલલાલજીના અનન્ય સેવક હતા. તેમજ અંગીકૃત અષ્ટ ભગવદીઓ માના તે એક હતા. મહાન કવિ હતા તેમણે ઘણા પદોની રચના કરી છે. શ્રી ગોપાલલાલજી જ્યારે વચનામૃત કરતા ત્યારે માર્ગનું રહસ્ય સમજવા માટે કાનદાસ પ્રભુજીને અવનવા પ્રશ્નો પુછતા તેનો ખુલાસો શ્રી ગોપાલલાલજી વચનામૃત દ્વારા કરતા તે પ્રસંગ વચનામૃતોમાં મળી આવે છે. તેમજ કાનદાસના વાર્તા પ્રસંગો પણ સ્વતંત્ર હસ્ત પત્રોમાં જોવા મળે છે. કાનદાસ શ્રી ગોપાલલાલજીની સાથે અમુક સમય સુધી રહેતા તે મહાન કૃપા પાત્ર ભગવદી હતા.


કાનદાસ કચ્છ માંડવીમાં રહેતા હતા અને તે ત્યાંના રાજાની નોકરી કરતા હતા. તેમાં કંઈ ભુલ થવાથી રાજાએ તેમનો દંડ કર્યો. તેથી તેમનું ઘરબાર સરસામાન વેચી દંડ પુરો ન થતા દંડની રકમ જે ભરવાની હતી તેમાં બસો જામી ઓછી રહી ગઈ. તે બસો જામી કાનદાસ કોઈપણ રીતે ભરી શકયા નહી. તેથી તેમને તે દંડ ભરે નહી ત્યાં સુધી રાજાએ કેદખાનામાં રાખવાનો હુકમ કર્યો અને કાનદાસને બંદીખાનામાં રાખ્યા.


ભક્તની કસોટી ભગવાન પુરેપુરી કરે છે. તે કસોટીમાંથી ભકત જયારે દ્રઢતા પુર્વક પસાર થાય ત્યારે ભગવાન તેને પોતાનો વિશ્વાસુ ભક્ત તરીકે ઓળખે છે. અને કસોટી સોનાની હોય છે પીતળની તો થતી નથી. અનન્ય ભક્તની પરિક્ષા પ્રભુ કરે ત્યારે પોતાના ભક્તની પ્રશંસા જગતમાં ફેલાય અને તે યુગો સુધી લોકમુખેથી વહ્યા કરે છે.તેમ ઉપરના પ્રસંગમાં કાનદાસ પ્રત્યે પણ સમજાય છે. આજ પણ તે પ્રસંગને આપણે વર્ણવીએ છીએ પણ જગતમાં ચાર પ્રકારના આંધળા છે તે કાંઈ જોઈ શકતા નથી.


|| નહિ પશ્યન્તિ જાત્યન્ધ: કામાન્ધો નૈવ પશ્યતિ |
ન પશ્યન્તિ મદોન્મત: અર્થી દોષ ન પશ્યતિ ||


જન્મથી આંધળો મનુષ્ય કાંઈ દેખતો નથી. તેમ કામી મનુષ્ય પણ કોઈ દેખતો નથી. મદથી ઉન્મત થયેલો મનુષ્ય પણ કાંઈ દેખતો નથી. તેમ સ્વાર્થી મનુષ્ય પોતાના શું દોષ છે તેને જોતો જ નથી. તેવા સ્વાર્થી અને અર્થ અને ધનના લોભી મનુષ્યો સત પુરૂષોને દુઃખ દેવામાં બાકી રાખતા નથી. તેમ રાજાના એક સતાના મદમાં અંધ બનેલા અમલદારને મનમાં વિચાર આવ્યો કે આની પાસેથી દંડ લેવાનો બીજો કોઈ ઉપાય નથી. પણ કાનદાસ વૈષ્ણવ છે તેને જો સવારમાં બજારના ચોકમાં લઈ જઈને માર મારવો અને તેને માર મારતા બીજા વૈષ્ણવો જોઈ નહી શકે અને તેને છોડાવવા માટે તેનો બાકીનો જે દંડ છે તેની રકમ બીજા વૈષ્ણવો આપી દેશે.તેવો પોતાનો નિર્ણય રાજા પાસે રજુ કર્યો.


કાનદાસે જયારે આ વાત સાંભળી ત્યારે તેના મનમાં ખુબ જ દુઃખ થયું અને મનમાં વિચારવા લાગ્યા કે મેં રાજયનું અન્ન ખાધું તેથી મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ. અને તેથી મારાથી કોઈપણ અપરાધ થયો હશે અને તેથી મારા ભગવદ ભજનમાં વિઘ્ન આવ્યું. તે તો શ્રી ઠાકોરજી નિવૃત કરશે તે પણ તેની કૃપા જ છે. તેમ કાનદાસ પોતાના મનમાં માનવા લાગ્યા.પણ વૈષ્ણવ બધા જોશે તેમ મને મારશે તો વૈષ્ણવને કેટલુ દુઃખ થશે અને વૈષ્ણવનું મન દુખી થશે એટલે શ્રી ઠાકોરજી નારાજ થશે, પણ કોઈ રસ્તો નથી જેવી ભગવદ ઈચ્છા.


પછી કાનદાસ મનમાં વિચારવા લાગ્યા કે શ્રી ઠાકોરજી કેવા છે, જે ભકત પોતાનું સ્મરણ કરીને કાર્ય કરવા પ્રાર્થના કરે, ત્યારે કરે તેવું તેનું નીમ છે જયારે ભગવદીને એવી ટેક છે કે ક્યારે પણ પોતાના કાર્ય માટે પ્રભુને પ્રાર્થના કરે નહીં. ગમે તેવા સંકટમાં હોય પણ પ્રભુને જરાય શ્રમ થાય તેવું મનમાં ઈચ્છે નહી તેવું નીમ ભગવદીનું છે. એવા અનન્ય ભગવદીની ટેકનું પાલન સદા પ્રભુ સ્વયં પોતે જ કરતા આવ્યા છે. તે આ પ્રસંગમાંથી સમજાશે. હવે શ્રી ગોપાલલાલજી કાનદાસને બંદીખાનેથી છોડાવવા માટે શું લીલા ચરિત્ર દેખાડયું તે પ્રસંગ હવે શરૂ થશે. કાનદાસના મનની એવી ટેક જોઈને શ્રી ગોપાલલાલજીએ એવો વિચાર કર્યો કે આનું કષ્ટ નિવૃત કરૂ.


માંડવી ગામથી પંદર ગાઉ દુર એક ગામ હતુ ત્યાં મોહનદાસ ભાગલી (અટક) નામના વૈષ્ણવ શ્રી ગોપાલલાલજીના સેવક રહેતા હતા. તેને ઘણા દિવસથી તાવ આવતો હતો. તેથી શરીર ઘણું જ અશક્ત થઈ ગયું હતું. પથારીમાંથી ઉઠી પણ શકતા ન હતા. તેને સ્વપ્નામાં શ્રી ગોપાલલાલજીએ દર્શન દીધુ અને કહ્યું કે અરે! મોહન તું માંડવી જા.  ત્યારે મોહનભાઈ એ સ્વપ્નામાં શ્રી ઠાકોરજીને દંડવત કર્યા અને ચરણ સ્પર્શ કર્યા અને બહુ જ આનંદ પામ્યા અને તેથી તેનો તાવ ઉતરી ગયો.


તે સ્વપ્નામાં શ્રી ગોપાલલાલજીને કહેવા લાગ્યો પણ મહારાજ ! મને દસ લાંઘણ થઈ છે ત્યારે શ્રી ઠાકોરજી હસે છે એવું દર્શન મોહનભાઈને થયું અને શ્રી ઠાકોરજી કહે છે અરે તું ઉઠીને ખીચડી ખા એમ કહ્યું ત્યાં મોહનભાઈ જાગ્યા અને જાગીને જોયુ તો શ્રી ઠાકોરજીને જોયા નહી અને પોતાની પથારી આગળ પોતનુ થયેલુ છે. પોતનુ એટલે વૈષ્ણવો પ્રસાદ લેવા બેસે ત્યારે જમીન ઉપર જળથી લીપીને પછી તેની ઉપર પ્રસાદની પાતાળ મુકે તેને (પોતનું કહે છે તેવો નિયમ ખાસ પુષ્ટિમાર્ગમાં છે) અને ચુલા ઉપર તપેલીમાં ટાઢા જળમાં ઓરેલી ખીચડી થઈ રહી છે અને જેમાં લુણ (મીઠુ) ન નાખેલું હોય તેવી ખીચડીને અણસખડી કહેવામાં આવે છે.


તે મોહનભાઈએ ચરણામૃત લઈને ખીચડી ખાધી તેથી શરીરમાંથી અશક્તિ જતી રહી અને પોતે કહેવા લાગ્યા કે ધન્ય છે પ્રભુ તમને આપની લીલાનો કોણ પાર પામી શકે ? મોહનભાઈ અનહદ આનંદમાં આવી ગયા અને માંડવીને રસ્તે ચાલવા માંડયું. શ્રી ગોપાલલાલજીએ મોહાનદાસને સ્વપ્નમાં કહ્યું હતું કે તું માંડવી ગોપાલરાણાની પાસે જઈને કહે જે કે તને શ્રી ગોપાલલાલજીએ શું કહ્યું છે? દિવસ ઘડી ચાર ચઢયો એટલે દોઢ કલાકને છ મીનીટ જેટલો દિવસ ચડયો ત્યાં મોહનદાસ ગોપલરાણાને ઘરે માંડવી પહોંચ્યા.


સૌ પ્રથમ ગોપાલરાણાને દંડતવત ભગવત સ્મરણ કરીને બેઠા અને બધા કુશળ સમાચાર પૂછ્યા, અને શ્રી ઠાકોરજી રૂડી રીતથી બિરાજે છે તેમ વિનયથી નમ્રભાવે પૂછયું અને - કહ્યું કે તમને શ્રી ઠાકોરજીએ શું કહ્યું છે?  એમ મોહનદાસે પુછયું. ત્યારે ગોપાલરાણા હસ્યા અને કહેવા લાગ્યા કે આપતો પૂર્ણ પુરૂષોત્તમ છો, પણ મને એમ કહ્યું કે મોહનદાસને તારી પાસે મોકલ્યો છે. તે જે માગે તે આપજે.


રાજાએ કાનદાસને બંદીખાને કેદ કર્યા છે. અને બસો કોરી દંડની જે બાકી છે તે ન ભરે તો બજારમાં લાવીને તેને માર મારશે. માટે હું તમને બસો કોરી આપું છું. તે તમો લઈને જલદી જાવ અને કાનદાસ નો દંડ પૂરો કરીને કાનદાસને બંદીખાનેથી છોડાવો એવી આજ્ઞા શ્રી ઠાકોરજીની મને થઈ છે.


મોહનદાસ બસો કોરી લઈને કાનદાસ પાસે બંદીખાને ગયા. મોહનદાસને આવતા જોઈને કાનદાસ મળ્યા અને બહુજ આનંદ પામ્યા અને નેત્રમાં હર્ષના આંસુ આવી ગયા. અને ગદગદીત થઈને કહેવા લાગ્યા. જે મારાથી કોઈ મહાન અપરાધ થયો હશે. તેથી સેવા દર્શન શ્રી ઠાકોરજીના ચુકયો.પણ આજ મારા અહોભાગ્ય કૃપાના સાગરે મારા ઉપર મહાન કૃપા કરીને મારા ઠાકરજીના સેવકના દર્શન મને આજ થયા. આમ કહેતા કાનદાસના નેત્રમાંથી જલની ધારા ચાલવા માંડી અને હર્ષમાં રોમાંચિત થઈ ગયા. દયાના સાગરની અપાર દયા અને મારા વાલાજીના વાલાના દર્શન બંદીખાનામાં થયા.


તેમ કહેતા આનંદિત બની જતા હતા અને પછી મોહનદાસે સર્વ સમાચાર તેમજ બનેલા પ્રસંગની સઘળી વાત કરી અને રાજાને બસો કોરી દંડની ભરીને બંદીખાનેથી છોડાવ્યા. કાનદાસને બંદીખાનામાં પણ બે વૈષ્ણવના દર્શન થયા અને બંદીખાનેથી છૂટયા વૈષ્ણવના દર્શનનું એવું મહત્મય છે.  વૈષ્ણવે વૈષ્ણવ પ્રત્યેની કેટલી ફરજ બજાવી તે આ પ્રસંગમાંથી દરેક વૈષ્ણવે બોધપાઠ શીખવા જેવો છે. તેમાં વિનય, વિવેક, પ્રેમ, સ્નેહ, સબંધ, તથા પોતાના પ્રભુના સેવક પ્રત્યેની કેવી ભાવના હોવી જોયે તે બધુ આ પ્રસંગમાંથી જાણવા મળે છે અને માર્ગના તત્વ સિદ્ધાંત રહસ્ય મળી આવે છે. વારંવાર મનન કરવા જેવું છે.


જય ગોપાલ 🙏🏻

in Blog
Sign in to leave a comment
પ્રભુ શ્રી ગોપાલલાલજી નું પંદરમું વચનામૃત