પુષ્ટિમાર્ગમાં સર્વોપરી સાધન સેવા છે. અને ફળ પણ સેવા જ છે. શ્રી ગોપાલલાલજી વચનામૃતમાં સમજાવી રહ્યા છે કે પુષ્ટિમાર્ગમાં સર્વોપરી ભાવથી સેવા છે. તેથી વૈષ્ણવે ભાવથી સેવા કરવી. તેનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. જેનું ચિત સેવામાં લાગ્યું છે તે બ્રહ્મવેતા છે. એટલે કે બ્રહ્મને જાણનાર છે. તેવું સેવાનું વૃતાંત સાંભળી સર્વ આનંદ પામ્યા અને સેવાનું ફળ તો અતુલિત છે જેની તુલના કોઈની સાથે થઈ શકે તેમ જ નથી. સેવાની બરાબર યજ્ઞ,યોગ, વ્રત અને તીર્થનું ફળ પણ એવું નથી બ્રહ્માજી જેવા એ પણ ભગવાનની સ્તુતિ કરતા કહ્યું છે કે, " હે નાથ આ જે વ્રજવાસીઓ છે, તેણે તમારી સેવા તન, મન, અને ધન ત્રણેય પ્રકારથી કરી છે તો તેને તમે શું આપશો ? ચૌદ બ્રહ્માંડમાં તેની સેવા લાયક કોઈ પદાર્થ મારી દ્રષ્ટિમાં નથી. અને જગતમાં બીજા જીવોને દેવા લાયક જે પદાર્થ તે તો ધર્મ,અર્થ,કામ અને મોક્ષ છે. તેથી મારા ચિત્તમાં મોહ થાય છે કે તેની સેવા લાયક કોઈ બીજો પદાર્થ છે જ નહીં તો આપ તેને ફળ સ્વરૂપે શું આપશો એવું મારા મનમાં રહ્યા કરે છે. આપના આ વ્રજવાસીઓને જેણે પોતાના ઘર,ધન, સંબંઘી, દેહ, પ્રાણ અંતઃકરણ સહિત સર્વ આપને જ અર્પણ કરેલું છે તો આપ તેની તે સેવાના ફળ સ્વરૂપે આપના સ્વરૂપ સિવાય બીજું શું ફળ આપશો ? કારણ કે આપની સેવા નું ફળ તો અતુલિત છે ભગવદ સેવાની બરાબર તો ચૌદ બ્રહ્માંડમાં કોઈ નથી.તેમ બ્રહ્માજી પણ કહે છે તેવું વચનામૃત સાંભળીને સર્વના મનમાં દ્રઢ થયું કે સેવાનું ફળ દ્રઢ આશ્રય ભક્તિ છે,અને ભક્તિનું ફળ સેવા છે.
હવે સેવાનું ફળ કેટલું બધું અગાધ છે તેનું દ્રષ્ટાંત જોઈએ.
એક રાજાના રાજ્યમાં દુષ્કાળ પડ્યો. ત્યારે રાજાએ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું કે હવે શું કરવું? ત્યારે પંડિતોએ કહ્યું કે મહારાજ ! યજ્ઞ કરો. તેથી રાજાએ યજ્ઞ કરવાની સર્વ તૈયારી કરવા કહ્યું. પંડિતોએ યજ્ઞ કર્યો અને યજ્ઞનું ફળ લેવા દેવતાઓ વિમાન દ્વારા સ્વર્ગમાંથી સાક્ષાત આવ્યા. અને યજ્ઞનું ફળ ગ્રહણ કર્યું. અને પછી તે દેવતાઓ વિમાન દ્વારા સ્વર્ગમાં જવા તૈયાર થયા પણ વિમાન સ્વર્ગમાં જવા ઉપડે નહીં. બ્રાહ્મણોએ ઘણા મંત્રોચ્ચાર કર્યા પણ વિમાન ઉપર ચડે જ નહીં. રાજા તથા બ્રાહ્મણો મૂંઝાણા હવે શું કરવું ? ત્યારે પંડિતોએ કહ્યું કે કોઈ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો આ વિમાન ઉપર ચડે અને જો દેવતાઓ અહીંયા રહેશે તો રાજ્યનું અનિષ્ટ થશે. રાજા, બ્રાહ્મણો તથા શહેરીજનો બધા મુંજાણા વિમાન ગંગાજીના કાંઠે પડ્યું છે. રાજા વિચાર કરવા લાગ્યો કે અશ્વમેઘ યજ્ઞ કોણે કર્યો હોય અને કોણ તેનું ફળ આપે. રાજાએ પોતાના માણસોને આ બાબત તપાસ કરવા ચારે બાજુ પોતાના માણસોને મોકલી આપ્યા.
આ બાજુ તે ગામમાં એક ડોશીમાં ભગવદ સેવા કરે અને તે પોતાના શ્રી ઠાકોરજી માટે જલની ગાગર ભરવા માટે ગંગાજીના કાંઠે આવ્યા હતા . ત્યાં આગળ એમણે ઘણા માણસોને જોયા રાજાને જોયા પંડિતોને પણ જોયા તેથી ડોશીમાએ પૂછ્યું કે ભાઈ આ બધું શું છે ? ત્યારે તેમાંથી કોઈ એકે કહ્યું કે માજી દેવતાઓનું વિમાન અટક્યું છે સ્વર્ગમાં જતું નથી કોઈ અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો સ્વર્ગમાં જાય અને અહીંયા રહે તો રાજ્યને નુકસાન થાય. તેવું ડોશી માને કહ્યું ત્યારે માજી તે વાત સાંભળીને કહેવા લાગ્યા કે એમાં શું મોટી વાત છે. હું તે અશ્વમેઘ યજ્ઞ નું ફળ આપું. એકનું કહો તો એકનું અને સોનું કહો તો સોનુ. ડોશીમા ની વાત સાંભળી પેલા માણસો રાજાને જઈને વાત કરી કે માજી આમ કહે છે. ત્યારે રાજાએ કહ્યું કે માજી તમે શું કહો છો ત્યારે માજી બોલ્યા ભાઈ હું સાચું કહું છું. જો બધાનું ભલું થતું હોય તો હું અશ્વમેઘ યજ્ઞનું ફળ આપું . રાજા ને પોતાના મનમાં માજીની વાત સાંભળી ને ઘણું આશ્ચર્ય થયું પણ રાજાએ મનમાં વિચાર્યું કે ભલે હા પાડુ શું થાય છે જોયે. રાજાએ માજી ને કહ્યું કે માજી એક અશ્વમેઘ યજ્ઞનું ફળ જોઈએ છે તે તમે આપો. ત્યારે માજી પેલા વિમાન પાસે ગયા અને કહ્યું કે મેં મારા શ્રી ઠાકોરજીની સેવા જલની ગાગર ભરી છે તે ગાગર જલની ભરવા જતા એક ડગલાનું પુણ્ય આપું છું એમ હાથમાં જલ લઈને સંકલ્પ કરીને જળ વિમાન પાસે મૂક્યું કે વિમાન સૌની દેખતા સરસરાટ કરતું ચાલ્યું ગયું. રાજા અને પંડિતો સર્વ માજીના ચરણમાં આળોટી પડ્યા. ધામધૂમથી માજીને ગામમાં લઈ ગયા અને રાજાએ પૂછ્યું કે માજી આપ શું કરો છો? જેથી આપે એક ડગલાં નું પુણ્ય આપ્યું જે એક અશ્વમેઘ યજ્ઞના ફલ કરતાં પણ અધિક છે.
માજીએ કહ્યું ભાઈ હું તો વૈષ્ણવ છું અને મારા શ્રી ઠાકોરજીની સેવા કરું છું. અને તેની સેવા માટે નિત્ય જળની ગાગર ભરવા જાવ છું. તે જળની ગાગરની સેવાનું એક ડગલાનો પુણ્ય આપ્યું છે.
ભગવત સેવામાં જળની ગાગર ભરવા જવાની એક ડગલામાં આટલી બધી શક્તિ છે.જે એક અશ્વમેઘ યજ્ઞના ફલનો સમાવેશ થઈ જાય છે. તો પછી જે સર્વાંગ ભગવત સેવા ભાવથી કરે તેને માટે અતુલિત ફલ સેવાનું કહ્યું તે બરાબર છે.
પુષ્ટિમાર્ગમાં સેવા જ મુખ્ય છે. સેવા વિનાનું જીવન જળ વિનાના સરોવર જેવું છે. પ્રાણ વિનાના દેહ જેવું છે. સુગંધ વિનાના ફૂલ જેવું છે. પ્રેમ વિનાના સંબંધ જેવું છે. પુષ્ટિસ્થ જીવનું મુખ્ય કર્તવ્ય સેવા જ છે. પુષ્ટિમાર્ગીય સેવાનું ફળ ભગવત પ્રાપ્તિ અને પ્રભુની રહસ્ય લીલા ના સુખનો અનુભવ. પ્રભુના સુખનો વિચાર તે જ સેવા છે. પ્રત્યેક વૈષ્ણવ ના ઘરમાં સેવા તો અવશ્ય હોવી જોઈએ. જેના ઘરમાં સેવા છે ત્યાં ગૌલોક ધામ છે. સેવાથી જ તમારા ઘરમાં ધર્મ રહેશે. સદાચાર, સંપત્તિ, સમૃદ્ધિ, સંપ, સંતોષ અને શાંતિ વગેરે ભગવદ ઘરમાં જ બિરાજે છે. તો સર્વ વૈષ્ણવો એ સેવા અવશ્ય કરવી જોઈએ.
જય ગોપાલ 🙏🏻🙏🏻